વડોદરા: વડોદરા પાસે આવેલા કાયાવરોહણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા 29 વર્ષના સહાયક નર્સ હર્ષિદા કનુભાઈ પટેલ અને ફાર્માસિસ્ટ સંજય પરમાર સહિત 12 દર્દી કોરોના મુક્ત થતાં તેઓને આજે હાઇ સ્પીડ કોવિડ કેર સેન્ટરમાંથી રજા આપવામાં આવી હતી.
આ ઉપરાંત ગોત્રી હોસ્પિટલમાં એક મહિલા દર્દી કોરોના મુક્ત થતાં તેને રજા આપવામાં આવી હતી. વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી 112 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. વડોદરાના જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્યું કે, હર્ષિદા પટેલ અને સંજય પરમાર કોરોના વાઈરસના સંકટ વચ્ચે નિષ્ઠાપૂર્વક પોતાની આરોગ્ય સેવાની કામગીરી બજાવી રહ્યાં હતા. આ દરમિયાન તેમના સેમ્પલ પોઝિટિવ આવતાં તેમને હાઇ સ્પીડ રેલ કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર કરવામાં આવી હતી. તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા આજે તેઓને રજા આપવામાં આવી છે.
2 કોરોના વોરિયર્સને કેર સેન્ટરમાંથી તેમને રજા આપવામાં આવી હતી, આ સમયે ત્યારે સીસીસીના આરોગ્ય કર્મીઓએ કોરોનાના આ લડવૈયાઓને પ્રોત્સાહક તાળીઓ પાડીને વિદાય આપી હતી. તેમના સહિત કુલ 12 જેટલા કોરોના મુક્ત દર્દીઓને શુભકામનાઓ સાથે વિદાય આપવામાં આવી હતી.