વડોદરાઃ મોરબીના ચકચારી મુસ્તાક મીરની હત્યા અને તેના ભાઇ આરીફ મીર પર કરાયેલા હુમાલના પ્રકરણમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર શનાળાના હિતુભા ઝાલાની વર્ષ 2019માં ATSએ ધરપકડ કરી હતી અને સાબરમતી જેલમાં મોકલી દીધો હતો. ફાયરિંગ મામલે મોરબીની કોર્ટમાં તારીખ હોવાથી તેને કોર્ટમાં રજૂ કરવા માટે અમદાવાદથી પોલીસ જાપ્તામાં લઇ જવાયો હતો, ત્યારે રસ્તામાં ધ્રાંગધ્રા પાસે હિતુભા ઝાલા પોલીસને ચકમો આપી જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો.
ઓક્ટોમ્બર 2019માં આ ઘટના બની હતી. ત્યારથી હિતુભા ઝાલાને ભાગેડુ જાહેર કરી પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ATSની ટીમે ચોક્કસ બાતમીના આધારે રવિવારે સારાભાઇ કેમ્પસમાં આવેલી નાંમકિત રેસ્ટોરન્ટ પાસે પાર્ક કરાયેલા સફેદ રંગની ફોર્ચ્યુનર કારમાંથી ખુંખાર હિતુભા ઝાલાને ઝડપી પાડ્યો હતો. ATSની ટીમે કારમાં તપાસ કરતા તેની પાસેથી એકથી વધુ પીસ્તોલ મળી આવી હોવાનુ જાણવા મળ્યું હતું. આ ઉપરાંત કારમાંથી રોકડ રકમ અને અન્ય બે શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી.