- એસ.એસ.જી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દર્દીઓને ગરબા રમાડવામાં આવ્યા
- દર્દીઓની સવારની એક્સરસાઇઝને એક નવો વળાંક આપવામાં આવ્યો
- ભક્તિ પર્વ નવરાત્રીનો આનંદ માણવા મળ્યો
વડોદરાઃ સવારની એક્સરસાઇઝને એક નવો વળાંક આપવામાં આવ્યો હતો. જેમાં કોવિડ વોર્ડમાં ગરબાના મોડમાં કસરતો કરાવવામાં આવી હતી. જેના પરિણામે સારવાર હેઠળના દર્દીઓને કસરતના લાભની સાથે માના ભક્તિ પર્વ નવરાત્રીનો આનંદ માણવા મળ્યો હતો. દર્દીઓએ હરખભેર તેમાં જોડાઈને આ પ્રયોગને વધાવ્યો હતો.
શારીરિક સ્થિતિની પૂરતી તકેદારી લેવામાં આવી
ડૉ.ચેતનાએ જણાવ્યું કે વ્યાયામ અને ગરબાના આ પ્રયોગ દરમિયાન દર્દીઓના ઓકસીજન લેવલ અને શારીરિક સ્થિતિની પૂરતી તકેદારી લેવામાં આવી હતી. આ પ્રયોગના આયોજનમાં ડૉ.વૈશાલી મિસ્ત્રી, ડૉ.હેત્વી ભાવસાર અને ડૉ.ખુશ્બુ પરમારનો સહયોગ મળ્યો હતો.
આ પ્રયોગને પ્રોત્સાહક ગણાવ્યો
સલાહકાર ડો.મીનુ પટેલ પણ આ પ્રયોગને પ્રોત્સાહક ગણાવે છે. આ અગાઉ દર્દીઓની શ્વસન પ્રક્રિયા પહેલા જેવી નોર્મલ બની રહે તે માટે ફિઝીયોથેરાપી વિભાગના નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા વિવિધ પ્રકારની રમતો રમાડવાની પણ શરૂઆત કરવામાં આવી છે. જેને લઈને દર્દીઓના સ્વાસ્થમાં વહેલી તકે સુધારો જણાઈ રહ્યો છે. આ કસરતો, રમતો, યોગા અને વિવિધ પદ્ધતિઓ દ્વારા કરવામાં આવતી સારવારને લઈને દર્દીઓ ખૂશ થયા છે.