વડોદરાઃ બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લિકેટિંગ એન્જિન ઓઈલ બજારમાં ફરતું કરનારા માસ્ટર માઈન્ડ નુશરત મહેંદી ઉર્ફે નૌશાદ ભુજાવાલાને વડોદરા SOGએ વાડી તાઈવાડા ખાતેથી ઝડપી લીધો હતો. નુશરત પાસેથી 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
વડોદરા શહેર SOG પોલીસને બાતમી મળી હતી કે, વાડી તાઈવાડા ખાતે રહેતો નુશરત મહેંદી ઉર્ફે નૌશાદ ભુજાવાલા તેના મકાનના નીચેના ભાગ ખાતેની રૂમમાં એન્જિન ઓઈલના ડબ્બાઓ, પેકિંગ કરવા માટે જુદી જુદી બ્રાન્ડેડ કંપનીઓના માર્કાવાળું બનાવટી રો-મટિરિયલ વડે બ્રાન્ડેડ કંપનીના ડબ્બામાં ડુપ્લીકેટ ઓઈલનું પેકિંગ કરી બજારમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે વહેંચીને છેતરપિંડી કરી રહ્યો છે.
બાતમીને આધારે SOG પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન નુશરત મહેંદી ઉર્ફે નૌશાદ ભુજાવાલા ઝડપાઇ ગયો હતો અને તેના મકાનમાં નીચેના ભાગે બનાવેલા ગોડાઉનમાંથી પોલીસને હીરો-હોન્ડા, મેક, કેસ્ટ્રોલ, સર્વો જેવી બ્રાન્ડેડ કંપનીઓના નામના એન્જિન ઓઈલના ડબ્બા તથા કંપનીના સ્ટીકરો, માર્કાઓ, બારકોડ સ્ટીકરો, બારકોડ સીલ સહિત ઢાંકણો અને પેકેજીંગ મશીનરી મળી આવી હતી.
પોલીસે ઘટના સ્થળેથી 3,34,536 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી નુશરત મહેંદી ઉર્ફે નૌશાદ ભુજાવાલાની અટકાયત કરી હતી. જ્યારે રો-મટિરિયલ્સ આપનારા મુંબઇ અંધેરીના ગુલામભાઈ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી પાણીગેટ પોલીસ મથક ખાતે તેના વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, નુશરત મહેંદી ઉર્ફે નૌશાદ ભુજાવાલા સન 2014માં રણોલી ખાતે આવેલા એમ. કે. એસ્ટેટમાં ડુપ્લીકેટ એન્જિન ઓઇલ બનાવવાના ગુનામાં ટોળકી સાથે 9 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. આ અંગે જવાહર નગર પોલીસ મથક ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.