વડોદરા: કાઉન્સિલર અનિલ પરમારે મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં વડોદરા શહેરના માણેકપાર્ક 4 રસ્તાથી સરદાર એસ્ટેટ 4 રસ્તા સુધીના રોડમાં 9.50 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા છે.
આ અંગે કાઉન્સિલરે જણાવ્યું કે, માણેકપાર્ક 4 રસ્તાથી સરદાર એસ્ટેટ 4 રસ્તા સુધીના 40 મિટરના રીંગ રોડ અંગે વર્ષ 2016-17માં સભાસદ અનિલભાઈ દ્વારા વારંવાર રજૂઆત કરવાથી વર્ષ 2017માં બજેટમાં આ રોડની કામગીરીની ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી. જેનું કામ અંદાજીત રૂપિયા 9.50 કરોડના ખર્ચે શિવાલય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને આપવામાં આવ્યું હતું. જેની સમય મર્યાદા વર્ક ઓર્ડરમાં 250 દિવસની હતી, પરંતુ હાલ 2017થી 2020 સુધી તેની કામગીરી પૂર્ણ થઈ નથી.
વધુમાં તેમણે જણાવ્યું કે, શાસક પક્ષના માનીતા અને બાહુબલી કોન્ટ્રાક્ટરની સામે આજદિન સુધી કોઈપણ પ્રકારની નોટિસ કે કોઈ કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા નથી. આવા કોન્ટ્રાક્ટરો સામે વિજીલયન્સ તપાસ કરવામાં આવે તથા જેતે અધિકારી આ તપાસમાં કસૂરવાર જણાઈ તેમની સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જ કામગીરી તાત્કાલિક ધોરણે રોકી તેમણે કરેલી કામગીરીની ગુણવત્તા તપાસ કરી આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલીસ્ટ કરી વડોદરા શહેરના નાગરિકોના વેરાના રૂપિયાનો વ્યર્થ કરતા આ અધિકારીઓ સામે કાયદેસર પોલીસ ફરિયાદ દાખલ કરવાની તેમણે માગ કરી છે.