વડોદરા: શહેરમાં અગોરા મોલના બાંધકામ થકી બિલ્ડરે વિશ્વામિત્રી નદીમાં પુરાણ કર્યું છે. તેવો કોર્પોરેટર અમી રાવતના આક્ષેપ બાદ જિલ્લા કલેકટરે માપણી કરવાના આદેશ જાહેર કર્યો હતો. જેથી અહીં માપણી કરવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો, પરંતુ મામલતદાર વ્યસ્ત હોવાથી આવી શકયા નહોતા. જેથી માપણીની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી.
આ દરમિયાન અમી રાવત અને હાજર અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓએ મામલતદાર સામે ભ્રષ્ટાચાર અને અગોરા મોલના બિલ્ડરને બચાવવા પોતે ગેરહાજર રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો. જમીન માપણીની અન્ય ટીમ હાજર હોવાથી મંગળવારે જ માપણી કરાવવાનો તેમણે આગ્રહ કર્યો હતો, પરંતુ તમામ 5 ટીમો હાજર રહે તો જ માપણી થઈ શકે. જેથી માપણીની કાર્યવાહી હાલ પુરતી ટાળવામાં આવી હતી. જેથી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.