વડોદરા: કોવિડ-19એ ભારતને પણ પોતાના ભરડામાં લીધો છે. કોરોનાની ચેઇનને અટકાવવા દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેનો હાલ ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ કોરોના વાઇરસ સામે લડનારા સફાઈ કર્મચારીઓ પોતે અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના શહેરને સ્વચ્છ રાખવાની મહત્વની કામગીરી કરી રહ્યા છે. જેથી મંગળવારે તેમની કામગીરીને બિરદાવવા શહેરના ભૂતડીઝાંપા,ચૌહાણ સોસાયટી તુલસાવાડી ખાતે વહીવટી વોર્ડ નંબર 8ના સફાઈ કર્મચારીઓ અને અધિકારીઓનો સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
સ્વાગત કાર્યક્રમમાં સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર ઉમાકાન્ત પ્રજાપતિ, સબ સેનેટરી ઇન્સ્પેક્ટર ચેતન સોલંકી, સુપરવાઈઝર દીપક વર્ષીકર, રાજેન્દ્ર મૈયલે, કર્મચારી દિપક સોલંકી, સફાઈ કર્મચારી દક્ષા સોલંકી, હંસા સોલંકી અને જગદીશ હાજર રહ્યાં હતા.
સતનાથ પંથના યોગી આદેશનાથજી ગુરુ ગંગાનાથજીની નિશ્રામાં સ્થાનિક રહીશો દ્વારા મહિલા કર્મચારીને પુષ્પમાળા આપી તેમજ સાડી આપી તેમની કામગીરી બિરદાવામાં આવી હતી. આ ઉપરાંત તમામ અધિકારી અને કર્મચારીઓ પર સ્થાનિક રહીશો દ્વારા પૂષ્પ વર્ષા કરી તાળી વગાડી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરત ચૌહાણ, નરેન્દ્ર મકવાણા, કનુ પરમાર, ભરત રાજપ્રિય, ભાનુ ચૌહાણ, ટીના ચૌહાણ, સહિત સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.