- પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ બાદ હિંસા થઈ હતી
- હિંસા ભડકાવવામાં તૃણમૂલ કોંગ્રેસનો હાથ હોવાનો ભાજપનો આક્ષેપ
- આક્ષેપ સાથે રાજ્યભરમાં ભાજપ દ્વારા યોજાયા વિરોધ પ્રદર્શનો
વડોદરા: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસાના બનાવો અંગે મમતા બેનર્જીનો વિરોધ કરવા માટે ગુરૂવારે શહેર ભાજપના આગેવાનો, ધારાસભ્યો, મેયર અને સાંસદ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.
જુદા જુદા 5 વિસ્તારોમાં યોજાયા પ્રદર્શનો
વડોદરા શહેરના પાંચ વિધાનસભા વિસ્તારોમાં શહેર ભાજપ દ્વારા વિરોધના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શહેરના માંજલપુર, માંડવી હરણી, પંડ્યા બ્રિજ અને દિવાળીપુરા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. જેમાં રાજ્ય પ્રધાન યોગેશ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર કેયુર રોકડિયા, ધારાસભ્ય જીતુ સુખડિયાની આગેવાનીમાં પોસ્ટરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. "શરમ કરો મમતા શરમ કરો હિંસા કી રાજનીતિ બંધ કરો, જીતના નશામાં જેહાદી હુમલા-હત્યા બંધ કરો"ના પોસ્ટરો સાથે દેખાવો યોજ્યા હતા.
લોકો ભેગા થાય તો દંડ, ભાજપીઓ ભેગા થાય તો…?
એક તરફ રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરીને તમામ પ્રકારના કાર્યક્રમો, મેળાઓ અને મેળાવડાઓ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે ભાજપ દ્વારા કરવામાં આવેલા આ વિરોધ પ્રદર્શનને લઈને પણ સવાલો ઉભા થયા છે. આ અંગે શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીએ જણાવ્યું હતું કે, આ કોઈ મેળાવડો નથી, આ વિરોધ પ્રદર્શન છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને તમામ ગાઈડલાઈનનું પાલન પણ કરી રહ્યા છીએ.