- વડોદરામાં વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી
- શહેરના 11 નામાંકિત ફોટો જર્નાલિસ્ટના અદભુત ફોટાઓની પ્રદર્શની યોજાઈ
- વડોદરાના રાજવી મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના હસ્તે ત્રિદિવસીય પ્રદર્શનીનો પ્રારંભ
- ફ્રાન્સના લ્યુઇસ ડોગરે અને જોસેફ નિસ્ફોરે નિસ્વી દ્વારા વિશ્વમાં પ્રથમ ફોટોગ્રાફી પ્રક્રિયાની શોધ કરાઈ હતી
વડોદરા: સમગ્ર વિશ્વમાં દર વર્ષે 19 ઓગસ્ટના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવવામાં (World Photography Day Celebration) આવે છે. 1839માં 9 મી જાન્યુઆરીના રોજ ફ્રાન્સના લ્યુઇસ ડૉગરે અને જોસેફ નિસ્ફોરે નિસ્વી દ્વારા વિશ્વમાં પ્રથમ ફોટોગ્રાફી પ્રક્રિયાની શોધ કરવામાં આવી હતી. જે બાદ ફ્રાંસ સરકારે 19 ઓગસ્ટના દિવસે આ અદભુત શોધ સમગ્ર વિશ્વને ભેટ સ્વરૂપે આપી હતી. ત્યારથી આ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. શહેરના ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા કીર્તિમંદિર ખાતે તારીખ 19 થી 21 ઓગસ્ટ સુધી ક્લિક 8 શીર્ષક હેઠળ ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના 11 ફોટો જર્નાલિસ્ટે પોતાના આગવા વિઝન સાથે કેદ કરેલી નેચર સ્પોર્ટ, તહેવારોની ઉજવણી તેમજ સારા નરસા પ્રસંગો સહિત અન્ય અદભુત રોમાંચક ક્ષણોના 66 જેટલા ફોટો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: વિશ્વ ફોટોગ્રાફી ડે : જૂનાગઢના ફોટોગ્રાફરે સાચવ્યા છે 50 વર્ષ કરતાં પણ જૂના કેમેરાઓ
આગવા વિઝન સાથે અદભુત રોમાંચક ક્ષણોના 66 જેટલા ફોટો પ્રદર્શિત કરાયા
ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે તમામ પ્રકારના કાર્યક્રમો રદ્ કરવામાં આવ્યા હતા, ત્યારે આ વર્ષે શહેરના કલાકારોને પોતાના ફોટોગ્રાફ પ્રદર્શિત કરવા માટે અનુકૂળ વાતાવરણ મળતા આઠમી ફોટોગ્રાફી પ્રદર્શની યોજવામાં આવી છે. જેના ઉદ્ઘાટન પ્રસંગે શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, રાજ્યપ્રધાન યોગેશ પટેલ, સાંસદ શ્રીમતી રંજન ભટ્ટ, ધારાસભ્ય સીમા મોહિલે, વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત, કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર રાવત, કાઉન્સિલર ચિરાગ ઝવેરી, પ.પૂ. 1008 જ્યોતિરનાથજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનીમાં જાણીતા ફોટો જર્નાલિસ્ટ વલ્લભ શાહ, ભુપેન્દ્ર રાણા, કીર્તિ પંડ્યા, રણજીત સુર્વે , કેયુર ભાટિયા, કમલેશ સુર્વે, જીગ્નેશ જોશી, અશ્વિન રાજપુત, પ્રણય શાહ, ભરત પારેખ દ્વારા પોતાના અદભુત ફોટોગ્રાફનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
આ પણ વાંચો: World Photography Day: ફોટોગ્રાફી સોસાયટી ઓફ કચ્છ દ્વારા યોજાઇ ફોટોવોક