વડોદરાઃ વડોદરા ખાતે બેટી બચાઓ બેટી પઢાઓ ટાસ્કફોર્સ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. 'બેટી બચાઓ બેટી પઢાઓ' યોજના અંતગર્ત બાળાઓના આરોગ્ય અને શિક્ષણ માટે વધુમાં વધુ કાર્યો થઇ શકે તે માટે કલેકટરે બેટી બચાઓ બેટી પઢાઓનો અસરકારક અને પ્રોત્સાહક સંદેશ આવરી લેતા સમુચિત કાર્યક્રમો અને કથાનકો બનાવી સોશિયલ મીડિયા મારફતે દર્શાવવા સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ સુધી ભણતરની તકો સુલભ બને અને છોકરીઓમાં ડ્રોપ આઉટનો દર લઘુત્તમ રહે તે માટે યોગ્ય વાતાવરણ રચતા આયોજનો કરવા અનુરોધ કર્યો હતો.
કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સંકલન કરી બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના પ્રચાર-પ્રસાર હેતુ બેટી બચાઓ બેટી પઢાઓ દર્શાવતી કિટસ અને બેગ્સ બનાવવા અને તેની ડિઝાઇન રેડી કરવા જણાવ્યું છે. દીકરી વધામણા, હાઇજીન કિટ અને ગુડાગુડી બોર્ડસ તથા દીકરા-દીકરી જન્મદર દર્શાવતા ચાર્ટ્સ સાથે પણ બેટી બચાઓ બેટી પઢાઓ થીમને જોડવા અંગે ઘટતું કરવા સૂચન કર્યુ હતુ. વર્ષ 2020-21 દરમિયાન બેટી બચાઓ બેટી પઢાઓ જાગૃત્તિ કાર્યક્રમો યોજવા, કોરોના મહામારીને લીધે જાગૃત્તિ કાર્યક્રમો માટે રેડિયો તેમજ રેડિયો જિંગલ તથા સોશિયલ મિડીયાના માધ્યમ દ્વારા કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં બાળ અધિકારોના, બાળ લગ્ન કાયદો, પોકસો તેમજ પીસી-પીએનડીટી કાયદાઓની માહિતી અને માર્ગદર્શન તથા ગુડ ટચ બેડ ટચની સમજ આપવા માટેના પગલાઓ હાથ ધરવા અને વધુમાં વધુ લોકો સુધી પહોંચવાના ઉદ્દેશ્ય સાથે જાગૃત્તિ કાર્યક્રમો યોજવામાં આવશે.
બાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો વધુ હોય તેવા વિસ્તારોમાં બેટી બચાઓ બેટી પઢાઓ કાર્યક્રમોને વધુ સક્રિય કરવામાં આવશે. શાળામાં અભ્યાસ કરતી અને કમિટી નક્કી કરે તે મુજબ ટોપ ક્રમાંક મેળવેલ હોય તેવી અને પ્રતિભાશાળી બાળાઓને સન્માનપત્ર, ઇનામ સહિત પ્રોત્સાહન આપીને અભ્યાસ માટે પ્રેરણા પૂરી પાડવામાં આવશે. બેટી બચાઓ બેટી પઢાઓ જનજાગૃત્તિ માટે રંગોળી, મહેંદી તથા ક્વિઝ જેવી સ્પર્ધાઓ યોજીને વિજેતા બાળાઓને સન્માનિત કરવામાં આવશે. આશા અને આંગણવાડી કાર્યકરોના સહયોગથી સેનેસટાઇઝેશન અને વુમન હાઇજીન માટેના કાર્યક્રમો યોજી લાભાર્થીઓને કિટ આપવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં સેનેટરી પેડ મશીન, નેપકીન ડિસ્ટ્રોયર સહિતના સાધનોનું વિતરણ કરવામાં આવશે.
દીકરા-દીકરી જન્મદર દર્શાવતા ચાર્ટ્સ તૈયાર કરીને જે વિસ્તારમાં ઓછી બાળાઓ શાળાએ અભ્યાસ અર્થે જતાં હોય ત્યાં બેટી બચાઓ બેટી પઢાઓ જાગૃત્તિ અર્થે બેટી બચાઓ બેટી પઢાઓ થીમ આધારિત ટી-શર્ટ વિતરણ કરવામાં આવશે. આ સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા મહિલા અને બાળ અધિકારી માધવી ચૌધરીએ કર્યુ હતુ. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચના ચૌધરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી અમિત વસાવા, પોલીસ સબ ઇન્સપેકટર પટેલ સહિત સંબંધિત તમામ અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.