વડોદરાઃ સાવલી નગરપાલિકાના ભ્રષ્ટાચારની માગેલી માહિતી ન અપાતાં તાળાબંધીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાવલીમાં નગરસેવક અને શહેર કોંગ્રેસે એક અલ્ટીમેટમ આપ્યું હતું. જે મુજબ વહીવટી ખર્ચની માહિતી 3 દિવસમાં માંગવામાં આવી હતી. જે નહીં મળે તાળાબંધી નું એલાન આપવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને નગરપાલિકાની કચેરીને તાળાબંધીના કાર્યક્રમને લઈને સાવલી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કોંગી કાર્યકારોનું ટોળું સૂત્રોચાર સાથે નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યું હતું અને સાવલી પોલીસના સ્ટાફે તાળાબંધીના પ્રયાસને નિષ્ફળ કર્યો હતો.
મહિલા નગરસેવક સાથે કોંગી કાર્યકારોનું ટોળું તાળાબંધી માટે આવતાં તેઓની પોલીસે અટકાયત કરી હતી. મહિલા નગરસેવક સહિત 10 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે, સાવલી નગરપાલિકામાં થતાં ભ્રષ્ટાચાર અંગે આગામી દિવસોમાં ગાંધીચીંધ્યાં માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ કાર્યકરોએ ઉચ્ચારી હતી.