- રાજ્યભરની આશાવર્કર અને ફેસીલીટેટર બહેનોમાં રોષ ભભૂક્યો
- વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું
- મુખ્યપ્રધાનને સંબોધી કલેક્ટર મારફતે વેદના પત્ર સુપ્રત કર્યો
વડોદરા: રાજ્યની 45,000 આશાવર્કર બહેનોનું રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દોઢ વર્ષથી શોષણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ ઉઠ્યા છે. કોરોનાના કપરા કાળમાં સતત કાર્યરત રહેલી આશાવર્કર બહેનોને ગુજરાત સરકાર દ્વારા વેતન વધારો કે પછી કોરોનાની મહામારીમાં સોંપવામાં આવેલી ફરજ અંગેનું એલાઉન્સ પણ આપવામાં આવતું નથી. તેને પગલે દુઃખ સાથે તેમની સાથે કરવામાં આવેલા વર્તનને પગલે રાજ્યભરમાં તમામ કલેક્ટર કચેરી ખાતે મહિલા શક્તિ સેના દ્વારા આશાવર્કર બહેનોએ રાજ્યના મુખ્યપ્રધાનને વેદનાભર્યો પત્ર લખીને રજૂઆત કરી હતી.
15 હજાર વેતન, 5 હજાર પેન્શન તેમજ કોરોના કાળ દરમિયાન કરેલી ફરજનું ઉચિત વળતર આપવા માગ
આશા વર્કર બહેનોના સંગઠન મહિલા શક્તિ સેના દ્વારા રાજ્યના મુખ્યપ્રધાનને સંબોધીને પત્ર લખીને ગુજરાતમાં કાર્યરત આશા વર્કર તેમજ આશા ફેસિલિટેટર તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીઓના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા શોષણ સહિતના પ્રશ્નો તરફ ધ્યાન દોરી તેને ઉકેલવાની માંગ કરવામાં આવી છે. તેમને પડતી મુશ્કેલીઓ વર્ણવતું વેદનાપત્ર મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રિકાબેન સોલંકીની આગેવાનીમાં વડોદરા જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર કચેરી ખાતે આશાવર્કર બહેનોએ પ્લેકાર્ડ સાથે દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ પણ વાંચો: વડોદરા આશાવર્કર બહેનોએ પોતાને મળતા ઓછા વેતનને લઇને નોંધાવ્યો વિરોધ
વેદનાપત્ર થકી મુખ્યપ્રધાનની સંવેદના જગાડવાના પ્રયાસો હાથ ધર્યા
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાઠવેલા વેદના પત્રમાં ગુજરાત સરકાર દ્વારા થતા અન્યાય અંગે રજૂઆત કરવામાં આવી હતી. આશાવર્કર બહેનોને માત્ર 33 રૂપિયા અને ફેસીલેટર બહેનોને માત્ર 16 રૂપિયા પ્રમાણેનું વેતન આપવામાં આવે છે. તે વધારવા ઉપરાંત કોરોના મહામારીમાં દોઢ વર્ષથી આશાવર્કર બહેનો કોવિડ કેર સેન્ટરમાં પણ ફરજ બજાવી રહ્યા છે. તો તેઓને અન્ય પેરામેડિકલ સ્ટાફની જેમ તેઓને પણ વધારાનું એલાઉન્સ આપવું જોઈએ તેવી માગ કરવામાં આવી હતી.
વેદના પત્રમાં આશાવર્કર બહેનોની પરિસ્થિતિ વર્ણવામાં આવી
વેદનાપત્રમાં જણાવવામાં આવ્યું વેદના પત્રમાં આશાવર્કર બહેનોની પરિસ્થિતિ વર્ણવામાં આવી છે. તેઓ કેવા સંજોગોમાં અને કેવી રીતે કામ કરે છે. તેની સ્થિતિ વર્ણવતા પ્રમુખ ચંદ્રિકાબેન સોલંકી જણાવ્યું હતું કે, રાજ્યભરમાં 14,246 જેટલા ગામોમાં 15,322 કોવિડ કેર સેન્ટર આવેલા છે. ત્યારે મહાનગરપાલિકા અને નગરપાલિકા હસ્તકના તમામ અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર પર આશાવર્કર અને ફેસીલીટેટર બહેનો ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર તરીકે છેલ્લા 15 મહિનાથી સતત કામગીરી કરી રહી છે. ત્યારે લોકોનું આરોગ્ય સચવાય તે માટે કોરોના સર્વે કોરોના થઈ બચવાના ઉપાયોની માહિતી ઘર-ઘર સુધી પહોંચાડવી, હોમ આઇસોલેશન દર્દીઓની સાર સંભાળ રાખવી તેમજ રજીસ્ટરમાં નોંધણી કરવી.
આ પણ વાંચો: પાલનપુરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો આશાવર્કર બહેનોએ કર્યો વિરોધ
15,000 રૂપિયા માસિક વેતન અને 5,000 માસિક પેન્શન આપવા માટેની માંગણી
ઉપરાંત કોરોના ટેસ્ટિંગ સહિત વેક્સિનેશન સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી કરવી પડતી હોવાથી કેટલીક બહેનો કોરોનાગ્રસ્ત થઈ હતી. ઉપરાંત કેટલીક બહેનોએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા હોવાથી તેમના પરિવારને સરકારના પરિપત્ર મુજબ આર્થિક સહાય, કોરોનાથી મૃત્યુ પામનારા કર્મચારીના સંતાનો માટે ફ્રી શિક્ષણની વ્યવસ્થા તેમજ 15,000 રૂપિયા માસિક વેતન અને 5,000 માસિક પેન્શન આપવા માટેની માગણી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ફોટો સેશન અને લોકાર્પણ માંથી નવરા પડે અને અમારી વેદના વાંચીને ધ્યાન આપે નહીં તો અમારે ગાંધીનગર જઈને તેમની સંવેદના જગાડવી પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.