વડોદરાઃ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં 890 કર્મચારીઓનો રોજમદારી તરીકે સમાવેશ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 364 કર્મચારીઓનો સમાવેશ ન થતા વડોદરા સફાઈ કામદાર સયુંકત ટ્રેડ યુનિયન દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
વડોદરા સફાઈ કામદાર સંયુક્ત ટ્રેડ યુનિયન દ્વારા મ્યુનિસિપલ કમિશ્નર સ્વરૂપ. પી.ને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં વડોદરા મહાનગર પાલિકામાં ફરજ બજાવતા 1254 માનવદિન અને કરાર આધારીત કામદાર કર્મચારીઓને ઉચ્ચક ફરજ પર લેવાનો કરવાનો કરાર કરવામાં આવ્યો હતો. જેમાંથી માત્ર 890 કર્મચારીઓને જ રોજમદાર તરીકે રાખવામાં આવ્યા છે. જ્યારે બાકીના 364 કર્મચારીઓને રોજમદારીનો લાભ મળી શક્યો નથી.
કર્મચારીઓ દ્રારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ ભેદભાવની નીતિ અપનાવી છે. જેથી આ અંગે તપાસ થવી જોઇએ અને બાકી રહેલા કર્મચારીઓને ન્યાય મળવો જોઈએ. ઉચ્ચ અધિકારીઓએ સિનિયોરીટી ધરાવતા કર્મચારીઓને બાજુમાં મૂકી પોતાની મનમાનીના જોરે પોતાના લાગતા વળગતા કર્મચારીઓનો રોજમદારી તરીકે સમાવેશ કરી ભેદભાવની નીતિ અપનાવી છે. જો દસ દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી સફાઈ કામદાર સયુંકત ટ્રેડ યુનિયન દ્વારા ઉચ્ચારવામાં આવી છે.