વડોદરાઃ સ્માર્ટસિટી વડોદરા પાલિકાના અણઘડ વહીવટ અને શહેરમાં ઠેરઠેર ખાડાપડવા માટે ભૂવાનગરી તરીકે પણ નામ કાઢી રહી છે. ખોટી નામના અને પ્રસિદ્ધિ મેળવવા માટે ખાતર્મુહૂત સહિતના કાર્યક્રમો તંત્ર દ્વારા કરવામાં તો આવી રહ્યાં છે. પણ માત્ર બોલવા માટે થતું હોય એવું લાગે છે વાસ્મુતવિકતા તપાસીએ તો કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકા તંત્રનું ચિત્ર કંઈક જુદું જ જોવા મળ્યું છે. હાલ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલી વિજય પાર્ક અને માધવપાર્ક સોસાયટીમાં છેલ્લાં 15 દિવસ ઉપરાંતથી ઉદ્દભવેલી સમસ્યા તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પાડે છે.
અહીં પાણીની લાઈન નાખવાની કામગીરી દરમિયાન મુખ્ય માર્ગ પર ખાડા ખોદવામાં આવ્યાં અને ત્યારબાદ આ કામગીરી અધૂરી છોડી દેવાતાં વરસાદી માહોલમાં કાદવકીચડ થતાં સોસાયટીના રહીશો, વાહનચાલકો તંત્રના પાપે હાલાકીનો ભોગ બનવા પામ્યાં છે. અહીં પડેલા ખાડાઓને કારણે કેટલાંય લોકો અકસ્માતનો ભોગ બન્યાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. સ્થાનિક કોર્પોરેટર સહિત તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી ન હાલતાં આજે સ્થાનિક રહીશોએ તંત્ર સામે નારાજગી દર્શાવી સત્વરે અહીં કામગીરી પૂરી કરવા માગણી કરી હતી.