વડોદરા: શહેરમાં એક 20 વર્ષીય યુવતી (Teasing in Vadodara) શનિવારના રોજ રાતે 8:30 વાગે પોતાની ઓફિસથી ઘરે જઈ રહી હતી. તે દરમિયાન વિધર્મી યુવક જાહિલ મજબુલ પઠાણે મહેસાણાનગર ચાર રસ્તા પાસે આવેલી સૌરાષ્ટ્ર પટેલની વાડી પાસે તેને રોકીને તેની સાથે જબરજસ્તી કરી હતી. જેને લઈને યુવતીએ બુમાબુમ કરતા ટોળાએ જાહિલ પઠાણને પકડી પાડીને મેથીપાક (Mob lynching Vadodara) ચખાડ્યો હતો.
આ પણ વાંચો: પંચમહાલના શહેરા તાલુકામાં છોકરીની છેડતી બાબતે 3 યુવકોને નિવસ્ત્ર કરી માર મરાયો
પોલીસ સ્ટેશનની બહાર 200થી 300 લોકોના ટોળું જમા થઈ ગયું
ટોળાએ આ યુવકને ફતેગંજ પોલીસ સ્ટેશન લાવીને પોલીસને સોંપ્યો હતો. આ ઘટના બાદ મોડી રાતે ફતેગંજ પોલીસ સ્ટેશનની બહાર 200થી 300 લોકોના ટોળું જમા થઈ ગયું હતું. આ બનાવની ગંભીરતાને લઈને પોલીસના ઉચ્ચાધિકારીઓ પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા.
આ પણ વાંચો: કારચાલકે જાહેરમાં યુવતીની છેડતી કરી, પોલીસે કરી ધરપકડ
ટોળાએ માર મારતાં યુવકને સારવાર માટે ખસેડાયો
મહેસાણાનગર ચાર રસ્તા પાસે જ યુવતીની છેડતી કરનારા વિધર્મી યુવક જાહિલ પઠાણને ટોળાએ ઢોરમાર માર્યો હતો. જેનાથી યુવકને ઈજાઓ પહોચતા તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જોકે આ ઘટના બની ત્યારે વિસ્તારમાં લોકો ભેગા થઈ ગયા હતાં. વિધર્મી યુવકે યુવતીની છેડતી કરી હોવાના મેસેજ વાયરલ થઈ જતા હિન્દુ સંગઠનો દોડી આવ્યાં હતાં.
ભાજપના મહામંત્રી પોલીસ મથકે દોડી આવ્યા
આ બનાવની જાણ થતાં ભાજપના મહામંત્રી સુનિલ સોલંકી ફતેગંજ પોલીસ મથકે દોડી ગયા હતા. ભાજપના મહામંત્રીએ યુવતીના પરિવારજનોને કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું અને પોલીસ મથકમાં ACP ડી.એસ.ચાવડાની મુલાકાત કરી કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.
મોડી રાત્રે પોલીસે છેડતીની ફરિયાદ નોંધી
યુવતીએ પોલીસ મથકે વિધર્મી યુવક વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપતા પોલીસે યુવક વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધી છે. યુવકની સારવાર બાદ કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવક વિરુદ્ધ 3 માસ અગાઉ પણ ફતેગંજ પોલીસ મથકમાં જ આ યુવતી સાથે ગેરવર્તણૂક કરવાનો ગુનો નોંધાયો હતો. જે તે સમયે પણ યુવકની ધરપકડ કરવામાં આવી હતી.