વડોદરા: દેશના વિવિધ પ્રાંતોના હાથશાળના કલાકારોને પ્રોત્સાહન આપવાના આશયથી ક્રાફ્ટરૂટ ઓફ ઇન્ડિયા (Craft roots of India) દ્વારા હોટેલ સૂર્યા પેલેસમાં હસ્તકલા પ્રદર્શનનો ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને કેન્દ્રીય રાજ્યપ્રધાન દર્શના જરદોશે પ્રારંભ કરાવ્યો હતો.
કલાકારોને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી સંસ્થા
ક્રાફ્ટરૂટ ઓફ ઇન્ડિયા દેશના 22 રાજ્યોના 25 હજારથી પણ વધુ કારીગરોને સાંકળીને તેમને પોતાની કલા પ્રસ્તુત કરવાની તક પૂરી પાડે છે. હસ્તકલાના કારીગરોને પોતાની કલાના ઉચિત દામ મળે તે માટે છેલ્લા 18 વર્ષથી કાર્યરત ક્રાફ્ટરૂટ ઓફ ઇન્ડિયા (three day craft roots exhibition) દેશના વિવિધ પ્રાંતોની હસ્તકલાને ઉજાગર કરી કલાકારોને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી છે. આ સંસ્થા દ્વારા કલાના પ્રકારના આધારે ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે. આ ક્લસ્ટર મુજબ કલાકારોને વિપણન, ડિઝાઇનિંગ, ઉત્પાદનને લગતું માર્ગદર્શન આપી સરકાર અને કારીગર વચ્ચેની ખૂટતી કડી પૂરવાનો પ્રયાસ કરવામાં આવે છે. સંસ્થા અને કારીગરો વચ્ચે વ્યક્તિગત સંબંધો સ્થાપિત કરી કાર્ય કરવામાં આવે છે.
કારીગરોએ પોતાની બેનૂમન કલાના કામણ પાથર્યા
દેશના મોટા શહેરોમાં પ્રદર્શની યોજીને કારીગરોને તેમના ગ્રાહકોની જરૂરિયાત, તેમની પસંદ, બજારની માગ મુજબનું ઉત્પાદન કરવાની સમજ સાથે વેંચાણ કરવાની તક પૂરી પાડવામાં આવે છે. હોટેલ સૂર્યા પેલેસ ખાતે યોજાયેલા પ્રદર્શન કમ વેંચાણમાં 9 રાજ્યોના 59 કારીગરો ભાગ લઇ રહ્યા છે. યુપી, હરિયાણા, મધ્યપ્રદેશ, આસામ, ગુજરાત સહિતના કારીગરોએ પોતાની બેનૂમન કલાના કામણ અહીં પાથર્યા છે. એક ભારત, શ્રેષ્ઠ ભારત તથા વોકલ ફોર લોકલનું પ્રતીક આ પ્રદર્શન બની રહ્યું છે.
કલાના મૂલ્ય બાબતે પણ વડોદરાના નાગરિકો રકઝક કરતા નથી
વડોદરા ખાતે આવા પ્રદર્શનનો અનુભવ જણાવતા કારીગરોને મત એવો છે કે, વડોદરાના નાગરિકો કલાનું મૂલ્ય સમજે છે. અહીં હાથશાળ, કાષ્ટ કલા, ચર્મ કલાની કદર નાગરિકો કરી જાણે છે. કલાના મૂલ્ય બાબતે પણ વડોદરાના નાગરિકો રકઝક કરતા નથી. આ પૂર્વે યોજાયેલા પ્રદર્શનમાં રૂપિયા 50 લાખથી વધુનું વેંચાણ થયું હતું. પ્રદર્શનમાં ચંદેરી સાડીથી માંડી, કચ્છ, હરિયાણાના હાથશાળના વસ્ત્રો, ગૃહ ઉદ્યોગના નમકીન, પર્સ, શ્રૃંગારની વસ્તુઓ સહિત મળે છે. તેની એક વખત મુલાકાત લેવી જોઇએ, જેથી કારીગરોને પ્રોત્સાહન મળે.
આ પણ વાંચો: હરિયાણાના ભિવાનીમાં મોટી દુર્ઘટના, પહાડનો મલબો ધસી આવતા એકના મોત સાથે અનેક લોકો દટાયા
આ પણ વાંચો: Corona Vaccination for Childrens in India: બાળકોને રસી માટે Covin App પર કરાવી શકાશે રજિસ્ટ્રેશન