- વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરીના મહેકમ દફતર વિભાગમાં આગની ઘટના
- ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓના જીવ પડીકે બંધાયા
- ફાયરબ્રિગેડના લાશ્કરોએ આગ પર કાબુ મેળવ્યો
વડોદરાઃ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેલી મહેકમ દફતર કચેરીમાં આગ લાગતાં તંત્ર દોડતું થયું હતું. ફાયર લાશ્કરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે મતદાર યાદી સહિતની સ્ટેશનરી બળીને ખાક થઈ ગઈ હતી.
છેલ્લા બે ચાર વર્ષની મતદાર યાદી સહિતની સ્ટેશનરી બળીને ખાખ
વડોદરા કલેક્ટર કચેરીમાં આવેલી મહેકમ દફતરની કચેરીમાં બપોરના સમયે અચાનક આગ લાગતા અફરા તફરી મચી હતી. કલેક્ટર કચેરીના પ્રથમ માળે મહેકમ શાખાની કચેરી આ આવેલી છે. જેમાં જૂની મતદાર યાદી સહિતનો સામાન મુકવામાં આવે છે, ત્યાં અચાનક આગ લાગી હતી. બનાવની જાણ વડોદરા ફાયર બીગ્રેડને થતા જવાનો દોડી આવ્યા હતાં અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે અહીં મતદાર યાદી સહિતનો પરચુરણ સામાન પણ આગમાં બળી ખાખ થયો હતો.
આગ લાગવાનું કારણ અકબંધ
મળતી માહિતી અનુસાર જિલ્લા કલેક્ટર કચેરીમાં જરૂરી દસ્તાવેજોની કામગીરી સાથે તેનો સંગ્રહ રાખવામાં આવે છે. એક તરફ ચૂંટણી આવી કહી છે, ત્યારે આજરોજ કલેક્ટર કચેરીની મહેકમ દફતરની કચેરીમાં આકસ્મિક આગ લાગતાં તંત્ર દોડતું થયું હતું. શહેરના ફાયરબ્રિગેડ સિટી એન્ડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરના સબફાયર ઓફિસર દિગ્વિજયસિંહ પરમાર તેમની ટીમ સાથે તત્કાલ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આગને કાબુમાં કરવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે જાનહાની થતા ટળી હતી. જોકે છેલ્લા 2 ચાર વર્ષ દરમિયાનની મતદાર યાદી સહિતની સ્ટેશનરી આગમાં બળીને ખાખ થઈ હતી. હાલ ચોક્કસ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પરંતુ આગની ઘટનાથી એક તબક્કે ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓના જીવ પડીકે બંધાયા હતા.