- રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારીનું કૌભાંડ ઝડપાયું
- ઈન્જેક્શન પર લખેલા ભાવ કરતા ઉંચાભાવે વેચી રહ્યા હોવાનો કિસ્સો આવ્યો સામે
- પોલીસે બાતમીના આધારે કૌભાંડ ઝડપ્યું
વડોદરાઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હોસ્પિટલને દર્દીઓની સારવાર માટે તેમના સ્વજનોને જીવન રક્ષક ગણાતા રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી કાળાબજારીયાઓ રેમડેસીવીર ઈન્જેક્શન પર લખેલા ભાવ કરતા ઉંચાભાવે વેચી રહ્યા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે.
રૂપિયા 7,500માં વેચતા હતા ઇન્જેક્શન
પ્રથમ કિસ્સામાં પીસીબીના દિપેશસિંહ નરેશસિંહને રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી થયા અંગેની બાતમી મળી હતી. બાતમીના આધારે કાર્યવાહી કરતા એક મોબાઇલ નંબર મળી આવ્યો હતો. નંબર પર વાત કરીને રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂરીયાત છે તેમ જણાવવામાં આવ્યું હતું. ફોનમાં સામેથી જવાબ આવ્યો કે, ઇન્જેક્શનના રૂપિયા 7,500 ચુકવવા પડશે અને તે અંગે થોડીવારમાં જાણ કરવામાં આવશે. પોલીસે ત્યાર બાદ છટકું ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને અજાણ્યા ઇસમે ઇન્જેક્શન આપવા માટે મોડી રાત્રે રાવપુરા ટાવર પાસે બોલાવ્યાં હતા. પોલીસે છટકું ગોઠવી દીધું હતું. ત્યારે ઇન્જેક્શન વેચવા માટે આવેલા શખ્સે પોતાની ઓળખ આપી હતી અને ગાડીમાં ઇન્જેક્શન આપવ માટે બોલાવ્યાં હતા. ઇન્જેક્શનની આપલે વખતે જ પોલીસ ત્રાટકી હતી અને શખ્સને રંગેહાથ પકડી પાડ્યો હતો.
આ પણ વાંચોઃ EXCLUSIVE : PCB દ્વારા રેમડીસીવીર ઇન્જેક્શનના કાળાબજારી કરતા બેની ધરપકડ
પોલીસે ડોક્ટર પાસેથી રૂપિયા 5.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
શખ્સ પાસેથી મળેલા રેમડેસીવીર ઇન્જેક્શન પર લખેલી કિંમત ચેકી નાંખવામાં આવી હતી. પોલીસની પુછપરછમાં શખ્સે પોતાનું નામ ડો. ધીરેન નાગોરા હોવાનું જણાવ્યું હતું. પોલીસને ડો. ધીરેન નાગોરાની ગાડીમાંથી શહેરની અન્ય ખાનગી હોસ્પિટલના ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન પણ મળી આવ્યું હતું. ડોક્ટરે રેમડેસીવીર ઇન્જેક્શન પોતાના મિત્ર જીગા મારફતે કૃણાલ પાસેથી મેળવ્યાનું જણાવ્યું હતું. પોલીસે ડોક્ટર પાસેથી રૂપિયા 5.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ડો. ધીરેન નાગોરા અને કૃણાલ સામે ડીઝાસ્ટર મેજેનમેન્ટ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને તેની ધરપકડ કરી હતી.
પોલીસે ઓડિયો ક્લિપના આધારો કૌભાંડ પકડ્યું
બીજા કિસ્સામાં પી.સી.બી. ના ASI હરી વિરમભાઇને ઓડિયો ક્લિપ મળી હતી. જેમાં રેમડેસીવીર ઉંચાભાવે ખરીદ – વેચાણ કરવાની વાતો કરવામાં આવી હતી. ઓડિયો ક્લિપના આધારે તપાસ કરતા પોલીસ ડો. ધિરેન દલસુખ નાગોરા સુધી પહોંચી હતી. ત્યારબાદ ડોક્ટરની કડકાઈ પુર્વક પુછપરછ કરતા તેણે મુસ્લિમ મેડીકલ સેન્ટરમાં મેલ નર્સ તરીકે નોકરી કરતા રાહુલ વાણંદ પાસેથી ઇન્જેક્શન લાવતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે રાહુલ વાણંદને રંગેહાથ પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. પોલીસે ડો. ધિરેન પાસે રાહુલને સ્પીકર પર ફોન કરાવ્યો હતો અને તેની પાસે રેમડેસીવીર ઇન્જેક્શનની માગ કરવામાં આવી હતી. પ્રથમ રાહુલે ઇન્જેક્શન નથી તેમ કહી ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ આજીજી કરતા રૂપિયા 9 હજારની કિંમતે ઇન્જેક્શન આપવા સહમત થયો હતો અને આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે ઇન્જેક્શન આપવા બોલાવ્યા હતા
પાણી ગેટ પાસે પોલીસે છટકું ગોઠવ્યું હતું. રાહુલ વાણંદ સ્થળ પર આવતાની સાથે ડોક્ટરે પોલીસને ઇશારો કર્યો હતો અને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચોઃ રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરીને ભાજપે માનવતાની હત્યા કરી: શંકરસિંહ વાઘેલા
પોલીસે આરોપી રાહુલ પાસેથી રૂપિયા 59,500નો મુદ્દામાલ જપ્તો કર્યો
રાહુલ પાસેથી રેમડેસીવીર ઇન્જેક્શન મળી આવ્યું હતું. જેના પર પ્રિન્ટ કરેલી કિંમત રૂપિયા 5,400 હતી. પોલીસે રાહુલ વાણંદ પાસેથી કોવિડ હેલ્થ કેર સેન્ટર, MGDY MMC & BMDA હરણખાના રોડ, પાણીગેટ વડોદરાનું કોવિડ 19 ફાયટર રાહુલ વાણંદ નામનું ફોટા વગરનું આઇડી કાર્ડ પણ મળી આવ્યું હતું. કાર્ડ પર ડો. એમ. હુસૈનના નામનો સિક્કો અને સહિ જોવા મળ્યા હતા. પોલીસે આરોપી રાહુલ પાસેથી રૂપિયા 59,500નો મુદ્દામાલ જપ્તો કર્યો હતો અને તેની સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.