- 4 પોલીસ મથક વિસ્તારમાં ગત 3 વર્ષમાં ખોવાયેલા કે ચોરાયેલા 91 મોબાઈલ ફોન શોધાયા
- મોબાઈલ માલિકોને CCTV કંટ્રોલ રૂમ દ્વારા ફોન કરી રૂબરૂમાં બોલાવી પરત સોંપવામાં આવ્યા
- ધનતેરસના દિવસે મૂળ માલિકોને પરત કરી અમુલ્ય ભેટ
વડોદરા : ગત 3 વર્ષમાં ગુમ થયેલા 91 મોબાઈલ ફોન વડોદરા પોલીસે મુળમાલિકોને પરત કર્યા હતા. મોબાઈલને શોધી કાઢવા પોલીસ કંટ્રોલ રૂમના સબ ઈન્સ્પેક્ટરની આગેવાની હેઠળ ટીમ બનાવવામાં આવી હતી. જેમને 91 મોબાઇલ બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી મોબાઈલ રિકવર કરી ધનતેરસના દિવસે મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.
4 પોલીસ મથકના હદ વિસ્તારમાંથી ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ રિકવર કરાયા
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં મોબાઈલ ફોનની ચોરી અને ગુમ થયાની અનેક ઘટનાઓ બનતી હોય છે. જે પૈકી કેટલીક પોલીસ મથક સુધી પહોંચે છે. જેમાંથી શહેરના 4 પોલીસ મથક વિસ્તારમાં વિતેલા 3 વર્ષમાં ખોવાયેલા કે ચોરાયેલા 91 મોબાઈલ ફોન પોલીસે મુળમાલિકોને પરત આપ્યા છે.
CDR, SDR એનાલિસિસ કરી 2 માસના ટૂંકાગાળામાં 91 મોબાઈલ ફોન રિકવર કરાયા
ધનતેરસના દિવસે શહેર પોલીસ કમિશનરના હસ્તે મૂળમાલિકોને મોબાઈલ ફોન પરત આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. નાયબ પોલીસ કમિશનર ઝોન-2 સંદિપ ચૌધરીના માર્ગદર્શન હેઠળ CCTV પોલીસ કંટ્રોલ રૂમમાં કામગીરી સંભાળતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર. એન. બારૈયા તથા પોલીસ કર્મચારીઓની એક ટીમની રચના કરવામાં આવી હતી. ટીમ દ્વારા શહેરના તાબામાં આવતા નવાપુરા, રાવપુરા, ગોત્રી, જે. પી. રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા 3 વર્ષમાં ખોવાયેલા કે ગુમ થયેલા મોબાઈલ ફોનની પ્રાથમિક માહિતી એકત્રિત કરી CDR, SDR એનાલિસિસ કરી 2 માસના ટૂંકાગાળામાં 91 મોબાઈલ ફોન બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી મોબાઈલ રિકવર કરવામાં આવ્યા હતા.
મોબાઈલ માલિકોને દિપાવલીની અમુલ્ય ભેટ વડોદરા શહેર પોલીસ દ્વારા આપવામાં આવી
આ રિકવર કરેલા મોબાઈલ જે તે મોબાઈલ માલિકોને CCTV કંટ્રોલ રૂમ દ્વારા ફોન કરી રૂબરૂમાં બોલાવી પરત સોંપવામાં આવ્યા છે. મોબાઈલ માલિકો દ્વારા દિપાવલીની એક અમુલ્ય ભેટ વડોદરા શહેર પોલીસ દ્વારા આપવામાં આવી હોવાનું મોબાઇલ માલિકો જણાવ્યું હતું.