- પોલીસે ચારેય પાસેથી દારૂ, 5 મોબાઈલ ફોન અને કાર મળીને કુલ 7.65 લાખનો મુદ્દામાલ કબજે
- જીલ્લા એલસીબીને મળેલી બાતમીના આધારે દમણથી અમદાવાદ લઈ જવાઈ રહેલો દારૂ પકડાયો
- કારમાં મળી આવેલુ લેબ્રાડોર ડોગ ઘરે પરત ફર્યું, બાકીનાં ચારેય જેલભેગા
વડોદરા: કરજણ તાલુકાનાં ભરથાણા ગામની સીમમાં આવેલા ટોલનાકા પાસે વોચ દરમિયાન કારમાંથી લેબ્રાડોર અને વિદેશી દારૂના જથ્થા સાથે 4 ઈસમોની જીલ્લા એલસીબીએ અટકાયત કરી હતી. પોલીસે 7.65 લાખનો મુદ્દામાલ કબજે કરીને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દમણથી ખરીદીને અમદાવાદ વેચાણ માટે લઈ જતા હતા
પોલીસે 44 હજારની કિંમતની દારૂની બોટલો કબજે કરી કારમાં બેઠેલા ડ્રાઈવર શ્યામસુંદર મીઠુલાલ શર્મા(રહે. હરિદર્શન સોસાયટી, અમદાવાદ), ધર્મેન્દ્ર રામકુમાર ભદોરિયા(રહે. બાપાશ્રીપાર્ક, અમદાવાદ), હરગોવિંદ રામદાસ પંચાલ (રહે.નિર્ણયનગર, અમદાવાદ) અને દિતીબેન મુકેશભાઈ વ્યાસ(રહે. ઉમા કોલોની, વડોદરા)ની અટકાયત કરી હતી.પોલીસ પુછપરછમાં કારમાં તેઓની સાથે મુસાફરી કરતા લેબ્રાડોર ડોગ શ્યામસુંદરની માલિકીનું હોવાનું તેમજ મહિલા સહિત ચારેય લોકો દમણ ફરવા ગયા હતા. જયાં તેઓએ દુકાનમાંથી છુટક છુટક દારૂની બોટલો ખરીદી અને તે અમદાવાદ ખતે શ્યામસુંદરના ઘરે વેચાણ માટે લઈ જતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચારેયની અટકાયત કરી લેબ્રાડોરને શ્યામસુંદરના પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.