વડોદરા: શિનોરના કુકસ ગામની સીમમાં નર્મદા કેનાલ રોડ પર થોડા દિવસો પહેલા કરજણની ફીનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકના સેન્ટ્રલ મેનેજર પ્રવિણ વસાવા સાથે એક લૂંટની ઘટના સામે આવી હતી. રૂપિયા 89,490ની લૂંટ કરનાર 2 GRD સચિન રસિકભાઇ વસાવા અને મુકેશ રામજીભાઇ વસાવા સહિત 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતાં. બંને GRD શિનોર પોલીસ સ્ટેશનમાં એક વર્ષથી ફરજ બજાવે છે. તેમજ સચિન અને મુકેશના માતાનું ફીનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રિકરિંગ ખાતુ પણ ચાલે છે.
લૂંટ કરતા પહેલાં એક મહિનો રેકી કરી:
સચિન અને મુકેશનો ત્રીજો સાગરિત અતુલ વસાવા પણ આ લૂંટમાં સામેલ હતો. આ ત્રણેયે સાથે મળી મોજશોખ પુરા કરવા માટે લૂંટ કરી હતી. બેન્ક મેનેજર પ્રવિણ વસાવા મહિનામાં 2 વખત નાણાં કલેક્શન માટે બાઇક પર શિનોર આવતો હોવાનું ત્રિપુટીના ધ્યાન પર આવ્યું હતું. પ્રવિણ આસપાસના ગામમાં કલેક્શન કરેલા નાણાં બેંકમાં જમા કરાવતો હોવાથી અતુલે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. લૂંટ કરતા પહેલાં તેમણે એક મહિનો રેકી પણ કરી હતી.
CCTV ફૂટેજના આધારે ઝડપાયા આરોપીઓ:
છેલ્લા એક મહિનાથી ત્રણેય શખ્સો પ્રવિણ વસાવાનો બાઇક પર પીછો કરતા હતાં. ગત 9મી ઓક્ટોબરે પ્લાન મુજબ ત્રણેય બાઇક પર પ્રવિણ વસાવા પાછળ ગયા હતાં અને કુકસ ગામની સીમમાં આવેલા નર્મદા કેનાલ રોડ પર ઓછી અવરજવરવાળા રસ્તાનો લાભ લઈ રૂપિયા 89,490 અને ટેબલેટ મુકેલો થેલો ખેંચી ફરાર થઈ ગયા હતાં. લૂંટ બાદ તેમણે નાણાં સરખે ભાગે વહેચી લીધા હતાં. પ્રવિણભાઇનું આરોપીઓનું વર્ણન અને ઘટના સ્થળ નજીકથી મળેલા CCTVના ફૂટેજ પરથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી. શિનોર પોલીસ અને LCB એ સૌથી પહેલા મુકેશને દબોચી લીધો હતો અને પૂછપરછમાં મુકેશ ભાંગી પડ્યો હતો, જેથી તેણે સમગ્ર ઘટના વર્ણવી દીધી હતી. પોલીસે ત્રણેયના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.