- સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ કર્યો પ્રચાર
- સુરતમાં દિલ્હી મોડેલ લાગુ કરવાનો બતાવ્યો વિશ્વાસ
- આપના નેતાઓએ ગુજરાત મોડેલને ગણાવ્યું નિષ્ફળ
સુરતઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક પક્ષોના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વખતે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા જઈ રહી છે. ત્યારે તેમના દિલ્હીના વરિષ્ઠ નેતાઓએ ગુજરાતમાં ધામા બોલાવ્યા છે. એક બાદ એક જનસભાને રોડ શૉ પણ કરવામાં આવી રહ્યા છે. અગત્યની વાત એ છે કે, તેઓ દરેક જનસભા અને રોડ શૉમાં ગુજરાતમાં દિલ્હી મોડલ સ્થાપિત કરવાની વાત કરી રહ્યા છે.
ગેરન્ટી કાર્ડ નામ આપી ચૂંટણી ઢંઢેરાની જાહેરાત પણ કરાઈ
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સહિતના આ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ દિલ્હીમાં મળતી તમામ સુવિધા અહીં પણ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ ગેરેન્ટી કાર્ડ નામ આપી ચૂંટણી ઢંઢેરાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ વખતે પ્રજા ગુજરાત મોડેલ કે દિલ્હી મોડલ કોને પસંદ કરશે તે તો મતગણતરીના દિવસે જ ખબર પડશે, પરંતુ પોતાના નેતાઓ દ્વારા દિલ્હી મોડેલની વાત કરવામાં આવ્યા પછી આ પાર્ટીના તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
છેલ્લા 25 વર્ષથી સુરત મહાનગરપાલિકામાં માત્ર એક જ પક્ષનું શાસન રહ્યું
ઈટીવી ભારતને આપના ઉમેદવારોએ જણાવ્યું હતું કે, લોકો દિલ્હી મોડલની વાત સ્વીકારશે અને આ વખતે સત્તામાં પરિવર્તન જોવા મળશે. છેલ્લા 25 વર્ષથી સુરત મહાનગરપાલિકામાં માત્ર એક જ પક્ષનું શાસન રહ્યું છે. આ જ કારણ છે કે, દર વર્ષે કર વધારો કરવામાં આવતો હોય છે. આથી સામાન્ય પ્રજા ત્રાહિમામ્ પોકારી ઊઠી છે. પ્રજાને વિકલ્પ મળ્યો છે અને આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીનો પ્રદર્શન ખૂબ જ સારો રહેશે.