સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં UP ગયેલી ચાર બસો પરત આવી ગઈ છે. સૌથી વધુ શ્રમિકો જે પોતાના વતન UP જવા ઈચ્છતા હતા, તેઓને બોર્ડર પરથી પરત મોકલી આપવામાં આવ્યા છે. કારણ કે તેઓને યુપી જવા માટેની તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી છે. પરંતુ યુપી સરકાર તરફથી અત્યાર સુધી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી કે તેઓ પોતાના શ્રમિકોને પરત બોલાવી રહ્યા છે.
સચીન પરત આવેલા તમામ શ્રમિકોએ જણાવ્યું હતું કે, તેઓને UP જવા માટે પોતે તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી હતી. આ જ કારણ છે કે, 2000થી લઇ ત્રણ હજાર રૂપિયા ચૂકવ્યા બાદ તેઓ પોતાના વતન જવા માટે બસ થકી રવાના થયા હતા. પોતે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ પરવાનગી આપવામાં આવી છે. જેથી તેઓ ખુશ હતા કે તેઓ UP પહોંચી જશે. પરંતુ તેઓને બોર્ડર પર રોકી પરત મોકલી દેવામાં આવ્યા હતા.
જ્યારે UP અને બિહાર જવા માટે અત્યાર સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, ત્યારે સુરત તંત્ર કેમ પરવાનગી આપી રહ્યું છે એ મોટો પ્રશ્ન છે. આ અંગે સુરતના પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ટેકનિકલ ખામીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. તેઓએ માન્યું હતું કે આ તમામ પરવાનગીઓ સાચી છે ફેક નથી. પોલીસ કમિશ્નરે આ પણ જણાવ્યું છે કે અત્યાર સુધી માત્ર મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઓરિસ્સા સરકાર દ્વારા જ તેમના શ્રમિકોને પોતાના વતન બોલાવવાની પરવાનગી આપવામાં આવી છે. સાથે તેઓએ તમામ શ્રમિકોને આશ્વસ્ત કર્યા છે કે તેઓને જવા માટેની તમામ સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. છેલ્લા શ્વાસ સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે.