- અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર બાળકોના વાલીને મળીને શરૂ કર્યો રોડ શો
- ગુજરાતની પ્રજાને આપને તક આપવા કહ્યું મનીષ સિસોદિયાએ
- દિલ્હી જેવું કાર્ય સુરત મોડેલ માટે કરી બતાવવા કટિબદ્ધ આપ
સુરત: ભાજપના ગઢમાં ભાજપના વોટબેંક પર ઝાડું લગાવવા માટે આજે સુરતના વરાછા વિસ્તારમાં મનીષ સિસોદિયાએ શક્તિ પ્રદર્શન કર્યું. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના રોડ શોનું આયોજન સુરતના પાટીદાર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આપ પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા.
અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર બાળકોના વાલીઓ સાથે કરી વાતચીત
મનીષ સિસોદિયાએ રોડ શોનો પ્રારંભ કરતા પહેલા સુરતના તક્ષશિલા અગ્નિકાંડ થયેલ આર્કેટની બહાર પહોંચ્યા હતા અને અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર બાળકોના વાલીઓ સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ રોડ શોનું આયોજન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પાંચ વર્ષમાં જે કાર્ય દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે એવું કાર્ય ગુજરાતની પ્રજા તેમને તક આપશે તો ગુજરાતમાં પણ કરી બતાવશે.
અમિત શાહ રીન્કુ શર્માના પરિવારને મળવા કેમ નહીં ગયા?
તેમણે રીન્કુ શર્મા હત્યાકાંડ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, દિલ્હીમાં પોલીસતંત્ર કેન્દ્ર સરકારના આધીન આવે છે. જે લોકો કહે છે કે, અરવિંદ કેજરીવાલ રીન્કુ શર્માના પરિવારને અત્યાર સુધી મળવા માટે નહીં ગયા તેમને પૂછવા માંગીશ કે, અત્યાર સુધી અમિત શાહ રીન્કુ શર્માના પરિવારને મળવા કેમ નહીં ગયા..?