- 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ
- વૈશાલી પટેલ અન્ય મહિલા માટે બની પ્રેરણારૂપ
- પેરા બેડમિન્ટનમાં મેળવ્યો મેડલ
સુરત: શહેરની વૈશાલી પટેલે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી કહેવતને સાર્થક કરી છે. વૈશાલી જ્યારે 3 વર્ષના હતાં, ત્યારે તેઓ પોલિયોગ્રસ્ત થયાં હતા. આગળ જતા તેમનું બોડી તો રિકવર થઈ ગયું, પરંતુ તેમના ડાબા હાથમાં કચાશ રહી ગઈ હતી. આ કચાશે તેમને જીવન જીવવાની નવી પ્રેરણા આપી અને આજે વૈશાલી બેડમિન્ટનના રાષ્ટ્રીય સ્તર પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.
પેરા બેડમિન્ટન ડબલ્સમાં સિલ્વર અને સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો
એક મહિલા માટે દિવ્યાંગતા તેમના જીવનમાં ખૂબ જ અસર પહોંચાડે છે, પરંતુ આ દિવ્યાંગતા સાથે કેવી રીતે જીવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ સુરતની વૈશાલી પટેલે આપ્યું છે. નાની ઉંમરમાં પોલિયોગ્રસ્ત થયેલાં વૈશાલીએ પોતાની સમસ્યાને ક્યારે પણ પોતાની ઉપર હાવી થવા દીધી નથી. તેમણે બેડમિન્ટનની પ્રૅક્ટિસ કરી અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ પણ જીત્યા છે. 35 વર્ષના વૈશાલી પટેલ જ્યારે 26 વર્ષના હતા, તે સમયે તેમને બેડમિન્ટન રમવાની ઈચ્છા થઇ હતી. ત્યાર બાદ તેમના કોચે તેમને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી. એક જ હાથ કામ કરતો હોવાના કારણે તેમના જમણા હાથમાં એટલો બધો પાવર નહોતો કે તેમના ટોસ બેક લોબીમાં જઈ શકે. આ વાતે તેમને નેશનલ રમવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. 30 વર્ષની ઉંમરે તેમણે નેશનલ રમવાનું ચાલુ કર્યું અને માર્ચ 2017-18માં તેમણે ઉત્તર પ્રદેશ ખાતે પેરા બેડમિન્ટન ડબલ્સમાં સિલ્વર અને સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. વિશ્વાસ આવતાં તેમણે તે જ વર્ષે દુબઈમાં પહેલી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો, પરંતુ દુર્ભાગ્યવશ જીતી શક્યા નહીં.
આ પણ વાંચોઃ જલ્પા ઠક્કરના કારણે ગામડાની 200થી વધારે મહિલાઓને રોજગારીની તક મળી
રોજ 2 કલાક પ્રેક્ટિસ કરે છે
તેમણે જણાવ્યું હતું કે, દિવ્યાંગતા સાથે કાંઈક કરવાની તેમની ઈચ્છા હતી. તેઓ ઈન્ટરનેશનલ રમત રમવા માટે રોજ 2 કલાક પ્રેક્ટિસ કરે છે. આ સાથે જ તેઓ નોકરી પણ કરે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, નેશનલમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા બાદ તેમના વિશ્વાસમાં વધારો થયો છે.