સુરત:જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામે બે જૂથ વચ્ચે નજીવી બાબતે અથડામણ થઈ હતી, જેમાં એક યુવકનું મૃત્યું થતા બાબેન ગામે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. બાબેન ગામે આવેલા શાસ્ત્રી નગરમાં છેલ્લા ઘણા દિવસોથી બે કોમ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું, જેનો અંત ગંભીર આવ્યો હતો અને એક યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
બનાવની વિગત મુજબ ગુરૂવારે રાત્રે છકડો જોરમાં ચલાવવા બાબતે દેવીપૂજક અને લઘુમતી કોમ વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં વિવાદ વધતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો, ત્યારે એક ટોળાએ મહેશ દેવીપૂજક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બની હતી.
બાબેન ગામે થયેલી જૂથ અથડામણમાં મહેશ દેવુપૂજકને ઇજાઓ થતા બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અથડામણમાં સુલતાના ખતીક, મુમતાઝ ખતીક અને યામીન પટેલને પણ નાની મોટી ઇજાઓ થતા, તેઓને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, મહેશ દેવીપૂજકની બહેન ચંદા સાથે છકડો જોરમાં ચલાવવા બાબતે લઘુમતી સમાજના ત્રણ યુવાનો સાથે બોલચાલ થઈ હતી, આ બોલચાલથી અજાણ મહેશ પર લઘુમતીના ટોળાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો, જે ઘટના બાદ બાબેન ગામે બારડોલી પોલીસ સહિત SOG, LCB તેમજ DSP પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો, પોલીસે 11 લોકોની અટકાયત કરી રાયોટિંગનો ગુનો દાખલ કરી તમામની અટકાયત કરી છે.
બારડોલીના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારના ગામમાં થયેલી જૂથ અથડામણ બાદ સરદાર હોસ્પિટલમાં કેબિનેટ પ્રધાન સહિત ભાજપના આગેવાનો પહોંચી ગયા હતા, અને બન્ને ટોળાઓ વચ્ચે પડી સમજાવટનો દોર શરૂ કર્યો હતો.