- ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરી ગુજારે છે જીવન
- રાત્રી દરમિયાન કરે છે પાર્ટી માટે પ્રચાર
- સિસ્ટમમાં આવીને જ સિસ્ટમને બદલી શકાય છે: ધર્મેશ ભંડેરી
સુરત: આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધી મહાનગરપાલિકા માટે 72 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધારે છે, સાથે ટેકસ્ટાઇલ ઉદ્યોગમાં જોબ કરનાર એક સામાન્ય વ્યક્તિને પણ આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે. સુરતના વોર્ડ નંબર ૧૭માં ઉમેદવારી નોંધાવી રહેલા ધર્મેશ ભંડેરી દિવસ દરમિયાન ટેક્સટાઇલ માર્કેટમાં જોબ કરે છે અને રાત્રે જીતના ઉદ્દેશ સાથે પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે.

વોર્ડ નંબર-17માંથી લડશે ચૂંટણી
સુરતના મિલેનિયમ માર્કેટમાં કામ કરનાર ધર્મેશ ભંડેરીને આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે. સુરતના સરથાણા વિસ્તારથી તેઓને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વોર્ડ નંબર ૧૭માં તેઓ ભાજપ-કોંગ્રેસ સામે લડવા ઉતર્યા છે. ધર્મેશ ભંડેરી સાડીઓ અને કાપડના ઉદ્યોગમાં કામ કરી પોતાના પરિવારનો જીવન નિર્વાહ કરે છે. સામાન્ય મિડલ ક્લાસ પરિવારથી આવનાર વ્યક્તિ કે જેને કોઈ ઓળખતું પણ નહોતું તેને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી લડવા માટેની તક આપવામાં આવી છે.

આ અંગે ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, જ્યારે સુરતની તક્ષશિલા અગ્નિ કાંડની ઘટના બની ત્યારે લાગ્યું કે આવું તંત્ર શું કામનું જે બાળકોના જીવન બચાવવા માટે ચોથા માળ સુધી આગ ઓલવવામાં નિષ્ફળ જાય. તક્ષશિલા આરકેટ તેમના વોર્ડમાં આવે છે, ત્યારથી તેમણે વિચાર્યું કે, સિસ્ટમમાં આવીને જ સિસ્ટમને બદલી શકાય છે. જેથી તેમણે વિચારણા બાદ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.

માત્ર ધોરણ 10 સુધી જ ભણ્યા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કાપડમાં કામ કરી પોતાના સંયુક્ત પરિવાર સાથે રહી જીવન નિર્વાહ કરી રહ્યા છે. તેઓ માત્ર ધોરણ 10 સુધી જ ભણ્યા છે અને આર્થિક સંકડામણ અને તબિયત સારી ન હોવાના કારણે તે વખતે તેમણે ભણવાનું છોડી દીધું હતું. હાલ તેઓ રાત્રી દરમિયાન અને જ્યારે પણ સમય મળે ત્યારે દિવસ દરમિયાન પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. તેમના મતે ભ્રષ્ટ સિસ્ટમ સામે લડવા માટે જ તેઓ ચૂંટણી લડી રહ્યા છે.