સુરતઃ શહેરના કતારગામ ઝોનમાં છેલ્લા બે દિવસમાં 11 જેટલા રત્નકલાકારો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યો છે. જેથી સુરત મહાનગર પાલિકાના અધિકારીઓએ 8 હીરા ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમિયાન 3 ડાયમંડ કંપનીને કોવિડ-19 ગાઈડલાઇનનો ભંગ બદલ દંડ ફટકાર્યો હતો.
સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન વિસ્તારમાં કોવિડ -19 પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે, ત્યારે દર્દીઓની હિસ્ટ્રીની તપાસ કરવા પર જાણવા મળ્યું હતું કે તેમાંથી 11 જેટલા લોકો હીરાની ફેક્ટરીઓમાં કામ કરતા હતા. કતારગામ ઝોનનાં કુલ 26 પોઝિટિવ દર્દીઓમાંથી 11 રત્નકલાકારો હોવાનું બહાર આવ્યું છે. આ દર્દીઓની સારવાર નવી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે, જ્યારે તેમના પરિવારના સભ્યોને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે, તેમજ ફાયર વિભાગના અધિકારીઓએ ફેક્ટરી પરિસરને સેનેટાઈઝ કરી છે.
અમૃત જેમ્સ, ભગવતી જેમ્સ અને શ્રીજી હીરાને ગાઈડલાઈનના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. અમૃત જેમ્સમાં જ્યારે પાલીકાના અધિકારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું ત્યારે ત્યાં કર્મચારી વચ્ચે સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવામાં આવી રહ્યોં નહોતો. ફેક્ટરીમાં 200 જેટલા કર્મચારીઓ હતા અને એક જ મશીનરી પર 4 ડાયમંડ પોલિશર્સ એકબીજાની પાસે બેઠા હતા, તેમજ કોઈએ માસ્ક પણ પહેર્યો ન હતો. આ ઉપરાંત કંપનીએ સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરી ન હતી, જેથી પાલિકા ટીમે કંપનીને રૂપિયા 20,000ની પેનલ્ટી નોટિસ ફટકારી છે.