- સરકારી ચોપડે નોંધાતા કોરોનાના કેસ અને મૃત્યુદરમાં મોટો તફાવત
- સુરતમાં નવેમ્બર મહિનામાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો નોંધાયો
- શહેરમાં રિકવરી રેટ સુધારા પર હોવાનો દાવો કરી રહી છે મનપા
સુરત: નવેમ્બર મહિનામાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. શહેરના લગભગ તમામ ઝોનમાં કોરોનાના કેસ અને કોરોનાથી થતા મૃત્યુદરમાં વધારો નોંધાતા તંત્રની ચિંતા વધી છે. જોકે સુરત મનપા બીજી તરફ રિકવરી રેટ સુધારા પર હોવાનો દાવો કરી રહી છે. સૌથી મોટી વાત એ છે કે, સરકારી ચોપડે નોંધાતા કોરોનાના કેસ અને મૃત્યુદરમાં મોટો તફાવત જોવા મળ્યો છે. સુરત મહાનગરપાલિકા મુજબ કોરોના શરૂ થયો ત્યારથી અત્યાર સુધી 788 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. જ્યારે કોરોના ગાઈડલાઈન હેઠળ અત્યાર સુધી ત્રણ હજાર જેટલા લોકોની અંતિમવિધિ કરવામાં આવી છે. જેમાં કોરોના પોઝિટિવ દર્દીઓ સહિત કોરોનાના લક્ષણો દેખાતા દર્દીઓ પણ સામેલ છે.
સૌથી પહેલાં જોઈએ ઉમરાના રામનાથઘેલા સ્મશાનભૂમિમાં અને જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાનભૂમિમાં નોંધાયેલા અંતિમવિધિના આંકડા...
ઉમરા રામનાથઘેલા સ્મશાનભૂમિ
તારીખ | મૃત્યુ | કોરોનાથી મૃત્યુ |
25/11/2020 | 10 | 03 |
26/11/2020 | 12 | 04 |
27/11/2020 | 15 | 02 |
28/11/2020 | 09 | 03 |
29/11/2020 | 17 | 02 |
30/11/2020 | 35 | 03 |
01/12/2020 | 17 | 02 |
02/12/2020 | 06 | 01 |
કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ
તારીખ | મૃત્યુ | કોરોનાથી મૃત્યુ |
25/11/2020 | 13 | 02 |
26/11/2020 | 09 | 01 |
27/11/2020 | 16 | 01 |
28/11/2020 | 16 | 04 |
29/11/2020 | 15 | 02 |
30/11/2020 | 12 | 01 |
01/12/2020 | 09 | 01 |
02/12/2020 | 16 | 00 |
આમ, બંને સ્મશાનભૂમિમાં દરરોજના કોરોનાના પ્રોટોકોલ પ્રમાણે સરેરાશ 2 મૃત્યુ તો નોંધાયા જ છે. પરંતુ સરકારી આંકડા કંઈ અલગ જ બતાવે છે. સુરત મનપાનું તંત્ર હકીકત છુપાવવાનો પ્રયત્ન કરી રહી હોય તે અમે નહીં પણ આંકડા બતાવે છે. હવે જુઓ મનપાના ચોપડે કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓના આંકડા.
સુરત મનપા દ્વારા જાહેર થયેલા કોરોનાથી થયેલ મૃત્યુના આંકડા
25/11/2020--2
26/11/2020--3
27/11/2020--4
28/11/2020--2
29/11/2020--3
30/11/2020--2
01/12/2020--2
02/12/2020--3
આમ આંકડામાં જમીન આસમાનનો તફાવત દેખાઈ રહ્યો છે.
પાલિકા મુજબ જે દર્દીઓને કોરોનાના લક્ષણ હોય અને મોત થાય તો કોરોના ગાઈડલાઈન મુજબ જ અંતિમ વિધિ કરાય છે. આંકડામાં આટલો મોટો તફાવત કેમ એ જાણવા અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે આ બાબતે કશું પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. આમ, એ બાબત તો સ્પષ્ટ છે કે ગ્રાઉન્ડ રિયાલિટી અને ચોપડે દર્શાવતા આંકડામાં જમીન આસમાનનો તફાવત દેખાઈ રહ્યો છે. જે સરકારની પોલંપોલનો શ્રેષ્ઠ નમૂનો છે.