- ત્રણ બંધ મકાનોને બનાવ્યા નિશાન
- તાળા તોડી ઘરમાં સામાન વેરવિખેર કર્યો
- એક ઘરમાંથી 8 હજાર રૂપિયા રોકડની ચોરી
સુરત: બારડોલીની બે સોસાયટીમાં રાત્રિ દરમિયાન ત્રણ મકાનોના તાળાં તૂટ્યા હતા. બંધ ઘરમાંથી તસ્કરો રોકડ અને દેવસ્થાનમાંથી મુર્તિ સહિતના પૂજાના સામાનની ચોરી કરી નાસી છૂટ્યા હતા.
આ પણ વાંચો: જૂનાગઢ માંડલીયા જ્વેલર્સમાંથી ચોરી, 80 લાખથી વધુના સોનાની ચોરી
કોરોના કેસોમાં ઘટાડો થતા જ તસ્કરો થયા સક્રિય
કોરોનાના કેસોમાં ઘટાડો થતાં જ ઘરફોડ ચોરી કરતી ગેંગ બારડોલીમાં સક્રિય થઈ ગઈ છે. રવિવારે રાત્રે તસ્કરોએ શાસ્ત્રી રોડ નજીક આવેલી બે સોસાયટીઓમાં બંધ ઘરોને નિશાન બનાવ્યા હતા. રજનીગંધા સોસાયટીમાં 2 મકાનો અને નજીકમાં જ આવેલી શિવદર્શન સોસાયટીમાં 1 મકાનનું તાળું તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. રજનીગંધા સોસાયટીમાં યોગેશ પારેખના બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. જેમાંથી અંદાજિત 8,000 જેટલા રોકડાની ચોરી થઈ ગઈ હતી. આ ઉપરાંત આ જ સોસાયટીમાં એક ઘરનું તાળું તોડી ઘરમાંથી પરચુરણ સામાન ચોરી કરી ગયા હતા.
આ પણ વાંચો: જૂનાગઢ પોલીસે 90 લાખ કરતા વધુની સોનાની ચોરીનો ભેદ ઉકેલ્યો
ભગવાનની મૂર્તિઓ પણ ચોરી
આ ઉપરાંત દેવસ્થાનને પણ છોડ્યું ન હતું અને તેમાંથી ભગવાનની મુર્તિ અને પુજાના સામાનની ચોરી કરી ગયા હતા. ઘટનાની જાણ થતાં બારડોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જો કે આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં બારડોલી પોલીસમાં ચોરી બાબતે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. વધી રહેલી ચોરીની ઘટનાને લઈ સોસાયટીમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.