સુરત: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સુરતીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી 5 મિનિટની શોર્ટ ફિલ્મ ફાઈનલ માટે સિલેક્ટ થઇ છે. આ અંગે શોર્ટ ફિલ્મ બનાવનારી ટીમના સભ્ય અને ડિરેક્ટર ઉત્તમ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, જે રીતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના કાળમાં સુરક્ષા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. તેને અનુસંધાને આ વિષયની પસંદગી કરવામાં આવી હતી.
શોર્ટ ફિલ્મમાં 5 નાની-નાની ફિલ્મો છે. દરેક ફિલ્મનું ડ્યુરેશન એકથી દોઢ મિનિટ સુધીનું છે. 5 ફિલ્મ મળીને આશરે 5 મિનિટની આ શોર્ટ ફિલ્મ તૈયાર કરી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આ ફિલ્મ ફાઈનલ સુધી પહોંચી છે. આશા છે કે, અમારી ફિલ્મ આ ફેસ્ટિવલમાં ધૂમ મચાવશે અને આકર્ષણનું કેન્દ્ર બનશે. સુરતીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ એકમાત્ર ફિલ્મ છે, જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના શોર્ટ ફિલ્મ કેટેગરીના ફાઈનલ સુધી પહોંચી છે.