- કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની સેવા કરતા ઘણા સ્વાસ્થ્યકર્મીઓ પણ સંક્રમિત થયા
- મિનાક્ષીબેનને કોરોનાના કારણે ગંભીર અવસ્થામાં સ્મીમેરમાં લાવવામાં આવ્યા
- લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી શરૂઆતમાં 15 લિટર ઓક્સિજન અપાતું
સુરતઃ કતારગામ પાસે ડભોલી વિસ્તારમાં રહેતા મિનાક્ષીબેનને 09 એપ્રિલ,2021ના રોજ કોરોનાના કારણે ગંભીર અવસ્થામાં સ્મીમેરમાં લાવવામાં આવ્યા હતા. સિનીયર સિટીઝન હોવા સાથે છેલ્લા 15 વર્ષથી ડાયાબિટીસથી પણ પીડાય છે. આ ઉપરાંત વેરિકોસ વેન તેમજ ડીપ વેઇન થ્રોમ્બોસિસ નામની બીમારીથી પીડિત છે. આવી કોમોર્બિડીટી તેમજ સ્મીમેરમાં દાખલ થયાં ત્યારે હાલત કટોકટ હતી.
આ પણ વાંચોઃ 68 વર્ષીય પૂર્વ નર્સિંગ સુપરિન્ટેન્ડ અને 75 વર્ષીય તેમની બહેને કોરોનાને માત આપી
બાયપેપ પર 40 ટકા ઓક્સિજન સાથે રાખવામાં આવ્યા
મિનાક્ષીબેન સહિત સેંકડો દર્દીઓની સારવારમાં સક્રિય યોગદાન આપનાર મેડિસિન વિભાગના એડિશનલ પ્રોફેસર ડો.દિપક શુક્લાએ જણાવ્યું હતું કે, મિનાક્ષીબેનના લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી શરૂઆતમાં 15 લિટર ઓક્સિજન આપવામાં આવ્યું હતું. તેમ છતાં ઓક્સિજનનું લેવલ જળવાતું ન હોવાથી બીજા જ દિવસે તેમને બાયપેપ પર 40 ટકા ઓક્સિજન સાથે રાખવામાં આવ્યા. પરંતુ તેમ છતાં સ્વાસ્થ્ય બગડતા તેમને 12મી એપ્રિલના રોજ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા.
27મી એપ્રિલના રોજ વેન્ટિલેટર હટાવી લઈને બાયપેપ પર રખાયા
મીનાક્ષીબેનને સમય પર વેન્ટિલેટરના CPAP અને IPPV સેટિંગ પર રખાયા હતા. સ્મીમેરના તબીબી સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફ વર્ષોથી ગંભીરથી અતિ ગંભીર દર્દીઓને વેન્ટિલેટર સહિતની સારવાર આપવા ટેવાયેલો હોવાથી, આ સ્ટાફ ખૂબ જ નિપુણ તેમજ કાર્યદક્ષ રીતે વેન્ટિલેટરની સારવાર આપી શકે છે. મીનાક્ષીબેન કુલ પંદર દિવસ વેન્ટિલેટર પર રહ્યા, બાદ તેમના સ્વાસ્થ્યમાં થોડો સુધારો આવતા તેમને 27મી એપ્રિલના રોજ વેન્ટિલેટર હટાવી લઈને બાયપેપ પર રખાયા હતા.
57 દિવસની સારવાર બાદ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
બાયપેપ પર પણ સઘન સારવાર આપવામાં આવતા 8 દિવસ બાદ 4મેના રોજ બાયપેપ પણ હટાવી લઈ 5મીમેથી ઓક્સિજન વડે તબક્કાવાર સારવાર અપાઈ. છેવટે સ્વાસ્થ્ય સંપૂર્ણ સુધરતા ઓક્સિજન હટાવી લેવામાં આવ્યું. હવે તેમના લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ જળવાઈ રહ્યું છે. કુલ 57 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈ જતા તેમને 4 જૂનના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, એમ ડો. શુક્લાએ ઉમેર્યું હતું.
ટીમના દરેક સભ્યની હિંમત ટકાવી રાખવી તે ખૂબ જ અઘરૂ
ડો. દિપક શુક્લા સ્વ-અનુભવ વર્ણવતાં કહે છે કે, કોરોનાની બન્ને લહેરમાં રાતદિવસ જોયા વિના સારવાર કરનાર તબીબોની સ્થિતિ અતિ તણાવપૂર્ણ હતી. હોસ્પિટલમાં થતું દરેક મૃત્યુ ઘેરા અફસોસ સાથે હૃદયને હચમચાવી જતું. જ્યારે અમારી જ ટીમનો કોઈ સ્વાસ્થ્યકર્મી ગંભીર અવસ્થામાં દાખલ થાય, ત્યારે આ તણાવ ખૂબ જ વધી જતો હતો. આવા વૈશ્વિક રોગચાળામાં ટીમના દરેક સભ્યની હિંમત ટકાવી રાખવી તે ખૂબ જ અઘરૂ કામ હતું.
માતૃસંસ્થા સ્મીમેરમાં જવાનો નિર્ણય સાચો પૂરવાર થયો
લાંબી લડતના અંતે કોરોનામુક્ત બનેલા મિનાક્ષીબેન જણાવે છે કે, શરૂઆતમાં મને શ્વાસ લેવામાં તકલીફ તેમજ તાવ આવતો હોવાથી ઘરની નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લીધી, પરંતુ હાલત બગડતા મે મારી માતૃસંસ્થા સ્મીમેરમાં જવાનો નિર્ણય લીધો જે એકદમ સાચો પૂરવાર થયો. કારણકે મે જ્યાં મારી જિંદગીના ઘણા વર્ષો સુધી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવીને દર્દીઓની સેવા કરી તે જ સંસ્થાના સ્વાસ્થ્યકર્મીઓની કાર્યદક્ષતા વિશે મને સહેજ પણ શંકા ન હતી.
હું નિયમિતપણે ઈશ્વરનું સ્મરણ કર્યા કરતી હતી
મારી વેન્ટિલેટર પરની સારવાર દરમિયાન મને સતત બેભાન કે અર્ધજાગ્રત અવસ્થામાં રાખવામાં આવી હતી, જેથી મને ઓછામાં ઓછી તકલીફ પડી. હું સ્વભાવે ધાર્મિક છું. સારવાર દરમિયાન હું નિયમિતપણે ઈશ્વરનું સ્મરણ કર્યા કરતી હતી, મને એક સમયે ઈશ્વર જાણે સાક્ષાત મારી સામે આવીને ઊભા હોય તેવો આભાસ પણ થયો હતો.
હોસ્પિટલનો સ્ટાફ હંમેશા સારવાર માટે ખડેપગે રહે છે
ઈશ્વર પરની શ્રદ્ધા અને તબીબોના સતત સહકારથી મને સ્વસ્થ થવામાં ખૂબ મદદ મળી. વધુમાં તેઓ જણાવે છે કે, સ્મીમેર હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ સારવાર માટે હંમેશા ખડેપગે હાજર રહેતો હતો. તેમના થકી મને નવી જિંદગી મળી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ મોરબીના 103 વર્ષના જીવરાજભાઇએ માત્ર 8 દિવસમાં જ કોરોનાને માત આપી
કાર્યક્ષમ હોવાથી મનોબળ જળવાઈ રહ્યું
નર્સિંગ સ્ટાફના અપર્ણા સિસ્ટર જણાવે છે કે, જ્યારે મિનાક્ષીબેન ગંભીર અવસ્થામાં દાખલ થયા, ત્યારે સ્ટાફગણને ખૂબ ડર લાગતો હતો. અમારા ડોક્ટર તેમજ સમગ્ર ટીમ ખૂબ જ કાર્યક્ષમ હોવાથી મનોબળ જળવાઈ રહ્યું હતું. અમને એ વાતનો ભરોસો પણ હતો કે, મોટી સંખ્યામાં આવા ગંભીર દર્દીઓને સ્વસ્થ કરીને ઘરે મોકલ્યા છે, તો એમને પણ સ્વસ્થ કરીશું જ.