સુરતના 'મિશન નેટિવ ગ્રીન' ગ્રુપનું નામ જ નહીં પરંતુ કામ પણ બોલે છે. ગ્રુપના તમામ સભ્યો પોતાના વ્યસ્ત શિડયુલમાંથી સમય કાઢી શહેર અને આસપાસના વિસ્તારને હરિયાળુ બનાવી રહ્યા છે. 'મિશન નેટિવ ગ્રીન' ગ્લોબલ વોર્મિંગ ન સમસ્યાને દૂર કરવા માટે કાર્યરત છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દરમિયાન વૃક્ષ નિકંદનના કારણે વૃક્ષોની અછત થઈ રહી છે. જેથી, પશુ-પક્ષીઓની દુર્દશા જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓને દૂર કરવા આ ગ્રુપ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
અભિયાન શરૂ થયાને આજે માત્ર બે વર્ષ જ થયા છે. દરમિયાન આ ગ્રુપના સભ્યોએ હજારો વૃક્ષનું વાવેતર કરી દીધું છે. ગ્રુપના સભ્યોનું માનવું છે કે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દિવસે-દિવસે વધી રહી છે. વૈજ્ઞાનિકો અનુસાર સમસ્યાથી બચવા માટે ભારત પાસે માત્ર 25 વર્ષ બાકી છે. આ સમસ્યાને દૂર કરવા લોકોને જાગૃત કરવા ખુબ જરૂરી છે.
મિશન નેટિવ ગ્રીન ગ્રુપના સભ્યો વૃક્ષો વાવતા પહેલા વિસ્તારની મુલાકાત કરીને નિરીક્ષણ કરે છે. ત્યારાબદ અનુકૂળ સ્થળે માલિકની પરવાનગી લીધા બાદ પોતે વૃક્ષ લગાવે છે. ઉપરાંત સંમયાંતરે ગ્રુપના સભ્યો વૃક્ષ સ્થિતિ અંગે મોનીટરીંગ પણ કરે છે. આવનાર દિવસોમાં ગુજરાતમાં પર્વતારોહણ કરનાર લોકોને પણ ગ્રુપ દ્વારા વૃક્ષો આપવામાં આવશે. જેથી, ત્યાં પણ વૃક્ષોની સંખ્યા વધે.
'મિશન નેટિવ ગ્રીન' ગ્રુપે સુરત સહિત આસપાસના વિસ્તારમાં માત્ર બે વર્ષમાં 20 હજારથી વધુ વૃક્ષ વાવ્યા છે. નેટિવ ગ્રીનના કોન્સેપટ અંગે ગ્રુપના સદસ્ય વત્સલ ઠક્કરે જણાવ્યું કે, તેમના ગ્રુપના સભ્યો હંમેશા વિચારે છે કે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી આવનાર પેઢીને બચાવવા માટે શું કરી શકાય? ગ્રુપમાં સભ્યો નેટિવ ગ્રીન એટલે લીંબડો, વડ,પીપળો અને આંબાના વૃક્ષો લગાવે છે. કારણ કે, આ વૃક્ષોની ઉંમર વધારે હોય છે અને આ વૃક્ષો વધારે ઓક્સિજન પણ આપે છે. આ માટે અમે લોકોને સમજાવીએ છીંએ અને એમનામાં પણ પર્યાવરણની જાગૃતિ આવે એટલા માટે અમે લોકો પાસે પણ વૃક્ષારોપણ કરાવીંએ છીંએ. લોકો હવે અમને સામેથી વૃક્ષા રોપણ કરવા માટે બોલાવે છે. જેથી અમારા ગૃપના સભ્યો ત્યાં જઇને વૃક્ષારોપણની સમજ અને તેનાથી ફાયદા અંગે લોકોને સમજ આપે છે.
તેમણે જણાવ્યું કે, સુરત શહેર માત્ર 3 ટકા ગ્રીન કવર છે, જ્યારે ભૂટાન જેવા દેશ 66 ટકા ગ્રીન કવર છે. ભૂટાન આ અંગે ખૂબ જ ચિંતિત છે અને પોતાના દેશમાં ગ્રીન કવર રેશિયોને વધારીને 75 ટકા કરવા પ્રયત્નો કરી રહ્યું છે. આપણે પણ આ અંગે વિચારવું જોઈએ. અમે આવનાર દિવસોમાં 20 શહેર અને 50 ગામડાઓમાં નેટિવ વૃક્ષો લગાવવાનો વિચાર છે. અમારા આ અભિયાનથી યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકો પણ પ્રભાવીત થયા છે. મુંબઇ અને ચંદીગઢમાં આ અભિયાન શરૂ પણ કરી દેવાયું છે.