- સુરતમાં બાયોડીઝલ સપ્લાય કરતા મુખ્ય સૂત્રધારની ધરપકડ
- ગોડાઉનમાં છાપો મારી 17 હજાર લીટર બાયોડીઝલ અને સાધન સામગ્રી કબજે
- પાંડેસરાના ગોડાઉનમાં તેમાં ભેળસેળ કરી બાદમાં તેને બાયોડીઝલ બનાવી વેચાણ
સુરત: આર્થિક ગુના નિવારણ શાખાએ મળેલી બાતમીના આધારે મંગળવારે પાંડેસરા દક્ષેશ્વર મંદીર પાસેથી પાંડેસરા આર્વિભાવ સોસાયટીમાં રહેંતા મનીષ મારવાડી ઉર્ફે મનીષ શંકરલાલ રાવને ઝડપી લીધો હતો. આર્થિક ગુના નિવારણ શાખાએ અગાઉ કરેલી કાર્યવાહી દરમિયાન તેનું નામ સુરતમાં બાયોડીઝલ સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર તરીકે બહાર આવતા આર્થિક ગુના નિવારણ શાખાએ તેના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં છાપો મારી 17 હજાર લીટર બાયોડીઝલ અને સાધન સામગ્રી કબજે કરી હતી પણ તે ફરાર થઈ ગયો હતો.
ઈન્ડસ્ટ્રીઝમાં વપરાતા ઓઈલને મંગાવી બાયોડીઝલ બનાવી વેચતો હતો
આર્થિક ગુના નિવારણ શાખાએ તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેણે પાંડેસરા વિસ્તારમાં છેલ્લા 6-7 મહિનાથી બાયોડીઝલનો ગોરખધંધો શરૂ કર્યો હતો અને સમગ્ર શહેરમાં તે સપ્લાય કરતો હતો. બાયોડીઝલ બનાવવા માટે તે નવી મુંબઈ સેવા સ્થિત જવાહરલાલ નહેરુ પોર્ટ અને કંડલા સ્થિત પોર્ટ પરથી ઈન્ડસ્ટ્રીઝમાં વપરાતા ઓઈલને મંગાવતો હતો. બાદમાં તે પાંડેસરાના ગોડાઉનમાં તેમાં ભેળસેળ કરી બાદમાં તેને બાયોડીઝલ બનાવી તેના મળતીયાઓને હોલસેલમાં અને છૂટક વાહનોમાં ઉપયોગ કરવા સપ્લાય કરતો હતો. હાલ તે સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલા બાયોડીઝલના બે ગુનામાં વોન્ટેડ છે.
આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરાઈ રહી છે: પોલીસ કમિશ્નર
સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, બાયોડીઝલના વેચાણ અંગે ગંભીરતાથી કામ કરી રહી છે અને બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ રોકવા સુચના સરકાર તરફથી આપવામાં આવી હતી. જે અતર્ગત સુરતના સરથાણા વિસ્તારમાં બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય આરોપી મનીષ મારવાડી વોન્ટેડ હતો. જેને હવે ઝડપી લેવામાં આવ્યો છે. મનીષને બાયોડીઝ્લ અંગે તેના ભાઈ પાસેથી માહિતી મળી હતી. તે જેવી રીતે પેમેન્ટ કરતો હતો અને તેણે જ્યાં જ્યાં બાયોડીઝ્લ વેચ્યું છે તેની તપાસ કરવામાં આવશે. આ બાયોડીઝલના વેચાણથી ગાડીના એન્જીન અને વાયુ પ્રદુષણ અને સરકારને ટેક્સમાં નુકશાન પણ થાય છે.