- મૃતકે બે વર્ષ અગાઉ એક યુવકની કરી હતી હત્યા
- નવ મહિના ભાવનગરની જેલમાં રહી આવ્યો હતો
- જામીન પર છૂટી હાલ સુરતમાં રહેતો હતો
સુરત : કામરેજ તાલુકાનાં ઘલુડી ગામની સીમમાં વેલંજા જતાં રોડની બાજુમાં એક યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બે વર્ષ અગાઉ થયેલી હત્યામાં આ મૃતક આરોપી હોય તેની અદાવત રાખી હત્યા થઈ હોવાની પરિવારજનોએ શંકા વ્યક્ત કરતાં પોલીસે ચાર શકમંદો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ભરતસિંહ સુરતમાં હીરા ઘસવાનું કામ કરતો હતો
આ અંગે મળતી માહિતી અનુસાર બુધવારે સાંજે સાતેક વાગ્યે કામરેજ તાલુકાનાં ઘલુડી ગામની સીમમાં ઘલુડીથી વેલંજા જતાં રોડ પર મયુરભાઈના ખેતર પાસે એક યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ખીસામાંથી મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ સુરતના કતારગામ પાસે આવેલી ઝરામોરાની વાડીમાં રહેતા ભરતસિંહ સુરસંગભાઈ ચૌહાણ તરીકે થઈ હતી. ભરતસિંહ સુરતમાં હીરા ઘસવાનું કામ કરતો હતો. તે બુધવારે બપોરે મોટર સાયકલ લઈને ઘરેથી નીકળ્યો હતો. જે બાદ સાંજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો : સુરતમાં સિદ્ધાર્થ રાવની હત્યાના મામલે બે આરોપી ઝડપાયા
ભરતસિંહે પત્ની સાથે આડાસંબંધના વહેમમાં એક યુવકની હત્યા કરી હતી
મૃતકના પિતરાઇભાઈ પૃથ્વીરાજસિંહ ઉર્ફે પિન્ટુ રાયસિંગભાઈ ચૌહાણએ કામરેજ પોલીસને આપેલી ફરિયાદમાં ચાર શખ્સો સામે હત્યા બાબતે શંકા વ્યક્ત કરી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભરતસિંહને બે છોકરા છે. જે તેના દાદા સાથે ઓલપાડ તાલુકાનાં ઇસનપુર ગામે રહે છે. જ્યારે તેની પત્ની સાથે અણબનાવને કારણે પિયર જતી રહી છે. ભરતસિંહની પત્ની કિરણબેન ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મોણપર ગામે રહેતા વજેસિંગ લક્ષ્મણસિંહ અલગોતર સાથે આડો સંબંધ હોય જે અંગે વહેમ રાખી ભરતસિંહે બે વર્ષ અગાઉ વજેસિંહની હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચો : સુરતમાં બેરોજગાર પતિએ પત્નીની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી
બદલો લેવાની ભાવના સાથે હત્યા કરાઈ હોવાની શંકા
તે સમયે વજેસિંહના ભાઈ બોઘાભાઈએ લોહીનો બદલે લોહીથી લઈશ એવી વાત કરી હતી. આ હત્યાના ગુનામાં ભરતસિંહ નવ મહિના ભાવનગરની જેલમાં હતો. થોડા સમય પહેલા જ તે જામીન પર છૂટી સુરતમાં રહેતો હતો. ભરતસિંહની હત્યા વજેસંગના ભાઈ બોઘાભાઈ લક્ષ્મણભાઈ અલગોતર, છેલાભાઈ લક્ષ્મણભાઈ અલગોતર, ઝીણાભાઈ લક્ષ્મણભાઈ અલગોતર, રાજૂભાઈ સાજણભાઈ અલગોતરે કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી. પોલીસે પૃથ્વીરાજની ફરિયાદના આધારે ચાર શકમંદો સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.