- 301 ચોરસ મીટર જેટલી રેલવે માલિકીની જમીન મનપાએ લીધી
- 35 વર્ષના ગાળા માટે સુરત મહાનગરપાલિકાને લીઝ પર લીધી
- રેલવે સ્ટેશનમાં પ્રવેશ મેળવવાનું આસાન થઇ જશે
સુરત :રેલવે સ્ટેશનના પૂર્વ તરફના વિસ્તારમાં વરાછા રોડ અને લંબે હનુમાન રોડ રેલવે ગરનાળા વચ્ચેના વિસ્તારનો વિકાસ કરવા રેલવેની માલિકીની જમીન મેળવવા ઘણા લાંબા સમયથી લગભગ 30 વર્ષથી રજૂઆતો કરવામાં આવતી હતી. પરંતુ જમીનનો કબજો નહીં મળવાથી આ વિસ્તારનો વિકાસ કરી શકાતો નહોતો. દરમિયાન રાજ્ય રેલવેપ્રધાન દર્શના જરદોશની રજૂઆતને પગલે રેલવેની જમીન મેળવવાનો માર્ગ મોકળો થઈ ગયો હોવાથી આગામી દિવસોમાં રેલવે સ્ટેશનના પૂર્વ તરફ ભાગનો વિકાસ કરી શકાશે.
રેલવે મંત્રાલય મંજૂરી આપી
રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશના કહેવા મુજબ પોદ્દાર આર્કેડને અડીને આવેલી લગભગ 301 ચોરસ મીટર જેટલી રેલવે માલિકીની જમીન 35 વર્ષના ગાળા માટે સુરત મહાનગરપાલિકાને લીઝ પર આપવાની રેલવે મંત્રાલય મંજૂરી આપી દીધી હોવાથી હવે સુરત રેલવેના પૂર્વ તરફના ભાગને પણ સમાંતર વિકસાવી શકાશે તથા પૂર્વ તરફના લોકો માટે રેલવે સ્ટેશનમાં પ્રવેશ મેળવવાનું આસાન થઇ જવા સાથે સ્ટેશન વિસ્તારની ટ્રાફિક સમસ્યામાં રાહત થશે.
જમીન માટે અગાઉ રજૂઆત થઈ ચૂકી હતી
સુરત મનપાને રેલવે દ્વારા જમીન આપવામાં આવે તે માટે વર્ષોથી માગણી થતી હતી. આ જમીન નહીં મળતાં અહીં રસ્તાના વિકાસનું કામ અવરોધાયું હતું અને તેના કારણે વરાછા ગરનાળા વિસ્તારમાં ટ્રાફિકની ખૂબ જ મોટી સમસ્યા સર્જાતી હતી. રસ્તો સાંકડો હોઇ અહીં ટ્રાફિકને કારણે લોકોનો સમય અને ઈંધણનો પણ વેડફાટ થતો હતો. રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ જ્યારે માત્ર સાંસદ હતાં ત્યારે પણ તેમના દ્વારા આ જમીન માટે અગાઉ રજૂઆત થઈ ચૂકી હતી હવે પ્રધાન બન્યાં બાદ તેમને આ પ્રશ્ન હાથ પર લીધો હતો અને મંત્રાલય સાથે બેઠકોના દોર વચ્ચે સુરત મનપાને આ જમીન આપવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ સુરતથી મહુવા માટે ડેઇલી ટ્રેન દોડાવવા રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ સમક્ષ રજૂઆત
આ પણ વાંચોઃ હેન્ડલૂમ ડે પહેલા મીનાક્ષી લેખી 'માય હેન્ડલૂમ માય પ્રાઇડ' પ્રદર્શનમાં પહોંચી, હેમા માલિની પણ રહી ઉપસ્થિત