- પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યાં
- 220.400 કિલોગ્રામનો ગાંજો મળી આવ્યો
- ગાંજાની કિંમત 22 લાખ રૂપિયા
સુરત: શહેરમાં DCB પોલીસે ગત 23 જાન્યુઆરીના રોજ કતારગામ વિસ્તારમાં ટેમ્પામાં ગાંજાની હેરાફેરી કરી રહેલાં ચંદ્રસિંહ ઉર્ફે રીતેશ પ્રતાપ સિંહ સિસોદિયાની ધરપકડ કરી હતી. પોલીસે ટેમ્પાની તપાસ કરતાં ટેમ્પામાં નારીયેળની ગુણીમાં ગાંજાનો જથ્થો છૂપાવેલો હતો. પોલીસે તપાસ કરતા કુલ 22 લાખની કિંમતનો 220 કિલો અને 400 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને આ ગાંજાનો જથ્થો વિક્કી નામના શખ્સે આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ઓરિસ્સામાં હત્યાના ગુનામાં આરોપી પણ છે
DCB પોલીસે બાતમીના આધારે ઓરિસ્સાથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીનું પૂરું નામ સરોજકુમાર ઉર્ફે વિક્કી પંડા છે અને DCB પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં આરોપી ગંજામ જિલ્લાના બલેશ્વર પોલીસ મથકમાં હત્યા અને બ્રહ્પુર પોલીસ મથકમાં હત્યાના પ્રયાસના ગુનામાં પકડાઈ ચુક્યો છે. જો કે હાલ પોલીસે તેની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.