- સુરતમાં પીએસઆઈ અમિતા જોશી આત્મહત્યાની દુષ્પ્રેરણાના કેસનો મામલો
- મહિધરપુરા પોલીસે મૃતક પીએસઆઈના પતિ વૈભવ વ્યાસને કોર્ટમાં રજૂ કર્યો
- પોલીસે આઠ દિવસના રિમાન્ડ માગ્યા પણ કોર્ટે માત્ર 2 દિવસના મંજૂર કર્યા
- મૃતકના સાડા ચાર વર્ષના બાળકની કસ્ટડી કોને આપવી તે અંગે કોર્ટ નિર્ણય લેશે
સુરતઃ ઉધના પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અમિતા જોશીએ પતિ તેમ જ સાસરિયાંના ત્રાસને કારણે પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મહિધરપુરા પોલીસ મથકે સાસરિયાં વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો કેસ નોંધ્યો હતો. પોલીસે અમિતા જોશીના પતિ વૈભવ જિતેશ વ્યાસ અને તેના પિતા જિતેશ વ્યાસ, સાસુ વર્ષા વ્યાસ અને નણંદ અંકિતા ભટ્ટની ધરપકડ કરી હાઈકોર્ટની ગાઈડલાઈન પ્રમાણે તેમના સ્મિમેર હોસ્પિટલ ખાતેથી કોવિડ એન્ટિજન ટેસ્ટ કરાવ્યા હતા. ટેસ્ટ નેગેટિવ આવતા વૈભવ વ્યાસની પોલીસ કસ્ટડીમાં રિમાન્ડની જરૂર હોય તેને કોર્ટમાં રજૂ કરી વિવિધ છ ગ્રાઉન્ડ પર આઠ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.
કસ્ટડીને લઈ હવે કોર્ટ નક્કી કરશે કે બાળક કોની પાસે રહેશે
દરમિયાન બચાવ પક્ષે એડવોકેટ અલ્પેશ દેસાઈ અને હેમલ ભગતે રજૂઆત કરી હતી. બંને પક્ષની દલીલો બાદ કોર્ટે આગામી 25 ડિસેમ્બર સુધી બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે વૈભવના પિતા, માતા અને બહેનને કોર્ટ કસ્ટડીમાં મોકલી દેવાનો હૂકમ કર્યો હતો. પીએસઆઈ જોશીના સાડા ચાર વર્ષના દીકરાને સાચવવાની જવાબદારી આવી છે. કારણ બાળક તેના પિતા અને દાદી પાસે જ રહેવાની જીદ કરે છે. તેના નાના-નાની કે માસી પાસે જવા બાળક તૈયાર નથી. આથી કસ્ટડીને લઈ હવે કોર્ટ નક્કી કરશે કે બાળક કોની પાસે રહેશે.