- વધી રહ્યો છે કોરોનાનો કહેર
- 7 દિવસમાં કોરોનાને હરાવ્યો
- વૃદ્ધાએ વ્યક્ત કરી ખુશી
સુરત: કોરોનાની બીજી લહેરમાં હઠીલા કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. તેવા સમયે નવી સિવિલના તબીબોની અથાગ મહેનતના કારણે વયોવૃદ્ધ દર્દીઓને સ્વસ્થ કરવામાં સફળતા મળી રહી છે. સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા હાયપર ટેન્શનની બિમારીથી પીડિત 77 વર્ષીય હંસાબેને સિવિલ હોસ્પિટલમાં સાત દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો હતો. ઝૈફ વય હોવા છતાં વડિલ વૃદ્ધા સામે કોરોનાએ પીછેહઠ કરવી પડી છે.
વધુ વાંચો: કુંભના મેળામાં ગયેલા ગુજરાતના શ્રધ્ધાળુઓને પરત આવતા RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત
હંસાબહેને કોરોનામુક્ત થતા ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘મેં કોરોનાની વેક્સિનના બન્ને ડોઝ લીધા હતા, તેમ છતાં મને કોરોના થયો હતો. વેક્સિન લીધી હોવાના કારણે હું ઝડપથી સ્વસ્થ થઇ છું. મને તાવ આવતાં 10મી એપ્રિલે કોરોનાનો રિપોર્ટ કઢાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. જેથી મને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડ સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં મારું ઓક્સિજન લેવલ ઓછું હોવાથી મને ઓક્સિજન પર રાખવાનાં આવી હતી. મનમાં ઘણો ડર હતો પરંતુ સિવિલના ડૉક્ટર્સે મને યોગ્ય સારવાર આપી કોરોનામુક્ત કરી છે. સિવિલ હોસ્પિટલની ઉમદા સારવાર અને દીકરા સમાન તબીબોએ મને સાત દિવસમાં સ્વસ્થ કરી છે.' આ મહિલાએ તંત્રનો આભાર માન્યો હતો.
વધુ વાંચો: લોકો બે માસ્ક પોલીસી અપનાવેઃ સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની