- અફઘાનિસ્તાન સાથે 1000 થી 1200 કરોડ રૂપિયાનો વેપાર સુરતથી થાય છે
- સુરતથી વાયા ઈરાન બાંગ્લાદેશ અને દુબઈના માધ્યમથી અફઘાનિસ્તાનમાં કાપડ જતું હતું
- શહેરના 125થી વધુ વેપારીઓએ અફઘાનિસ્તાન સાથે કોઈપણ વેપાર ન કરવાનો નિર્ણય કર્યો
સુરત : અફઘાનિસ્તાનમાં તાલિબાની કબજા પછી ત્યાં વિકટ પરિસ્થિતિમાં વેપારધંધા સ્થગિત થઈ ગયાં છે. ત્યારે સુરતના કાપડના વેપારીઓ માટે પણ નિર્ણય લેવાની ઘડી આવી ગઇ છે. અફઘાનિસ્તાનથી હજારો કિલોમીટર દૂર ભારતના સુરત શહેરમાં પણ ત્યાંની પરિસ્થિતિની અસર જોવા મળી રહી છે. સુરત કાપડ ઉદ્યોગ જે વાયા ઈરાન બાંગ્લાદેશ અને દુબઈ ના માધ્યમથી અફઘાનિસ્તાનમાં કાપડ મોકલતો હતો તેમના આ વેપાર પર 1200 કરોડ રૂપિયાની અસર જોવા મળશે. અફઘાનિસ્તાનની સતા પર તાલિબાની આવતાં શહેરના 125થી વધુ વેપારીઓએ અફઘાનિસ્તાન સાથે કોઈ પણ વેપાર ન કરવાનો નિર્ણય કર્યો છે.
સુરત કાપડ ઉદ્યોગ વિશ્વમાં સૌથી મોટી કાપડ બજાર કહેવાય છે. વિશ્વના ખૂણેખૂણામાં સુરતનું કાપડ જાય છે જેનાથી અફઘાનિસ્તાન પણ બાકાત નથી. જોકે વાત કરવામાં આવે અફઘાનિસ્તાનની તો સુરતથી ડાયરેક્ટ કાપડનો જથ્થો ત્યાં જતો નથી વાયા બાંગ્લાદેશના ઢાકા ઈરાન ચાબહાર પોર્ટ અને દુબઈ થકી સુરતનું કાપડ અફઘાનિસ્તાન જાય છે. અપ્રત્યક્ષ રીતે સૌથી વધુ વેપારીઓ અફઘાનિસ્તાન કાપડ મોકલે છે. અફઘાનિસ્તાનથી 1000 થી 1200 કરોડ રૂપિયાનો વેપાર સુરતથી થાય છે. પરંતુ હાલ જે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ નિર્માણ થઇ છે તેને ધ્યાને રાખી સુરતના સૌથી વધુ કાપડના વેપારીઓએ સુનિશ્ચિત કર્યું છે કે તેઓ અફઘાનિસ્તાન સાથે કોઈ પણ વેપાર કરશે નહીં.
લાગતું નથી કે ત્યાં વ્યવહાર શક્ય છે
આ સમગ્ર મામલે સુરત ફેડરેશન ઓફ ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિએેશનના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, જ્યારે કાપડના વેપારીઓને ખબર પડી કે અફઘાનિસ્તાનથી અમેરિકા પોતાના સૈનિકોને હટાવી રહ્યું છે ત્યારે તેઓએ વેપાર કરવાનું બંધ કરી દીધું હતું. તેમ છતાં આશરે 500થી વધુ કરોડ રૂપિયાનો માલ અટવાયો છે. બીજી બાજુ તાલિબાની જે પ્રવૃત્તિ છે તેનાથી ખબર પડે છે કે ત્યાં કોઈ પણ આર્થિક વ્યવહાર થઈ શકે તેવી આશા નથી. સુરતના સવાસો કાપડ વેપારીઓએ નિશ્ચિત કર્યું છે કે જ્યાં સુધી તાલિબાનીઓ ત્યાં છે ત્યાં સુધી તેઓ વેપાર કરશે નહીં. ભારત વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે. વેપાર થશે કે નહીં તે આવનાર દિવસોમાં નક્કી થશે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં સુરતથી બુરખા ,દુપટ્ટા,શોલ, ડ્રેસ મટિરિયલ, શેટીન જેવા કાપડ જતાં હતાં. તેની ત્યાં ખૂબ જ ડિમાન્ડ હતી. પરંતુ હાલની જે પ્રવૃત્તિ તાલિબાનોની જોવા મળી રહી છે તેનાથી લાગતું નથી કે ત્યાં વ્યવહાર શક્ય છે.
આ પણ વાંચોઃ સુરતની મંડપ ઈન્ડસ્ટ્રીઝને 400 કરોડ રૂપિયાનું નુકસાન, ગણેશ ઉત્સવ પણ રહેશે ફિક્કો
આ પણ વાંચોઃ 31 જુલાઈ સુધીમાં વેપારીઓને ફરજિયાત રસી લેવી જ છે, પણ Vaccine Center તો વધારો સરકાર