સુરત : ટેક્સટાઇલ માર્કેટમાં એક કરતા વધુ કેસ કોરોના કેસ આવવા પર સંપૂર્ણ માર્કેટ બંધ કરવા પાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવતા વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જ્યાં રજૂઆત કરવા પહોંચેલા વેપારીઓની વાત સાંભળ્યા બાદ સાંસદ સીઆર પાટીલે મધ્યસ્થી કરી રાજ્યના મુખ્યપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત દ્વારા સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. સાંસદ સીઆર પાટીલની ઓફિસે આ અંગે વેપારીઓની બેઠક મળી હતી. જેમાં સુખદ અંત આવતા વેપારીઓ ચિંતામુક્ત બન્યા હતા.
સાંસદ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ માર્કેટમાં એકથી વધુ કેસ કોરોના પોઝિટિવ આવવા પર પાલિકા દ્વારા સંપૂર્ણ માર્કેટને બંધ કરવાના નિર્ણય સામે વેપારીઓ રજૂઆત કરવા આવ્યા હતા. જ્યાં વેપારીઓ સાથે બેઠક યોજી સાંસદે તેઓની વાત સાંભળી હતી.
ત્યારબાદ આ મામલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યપ્રધાને સમસ્યાનું સકારાત્મક નિરાકરણ કરતા જણાવ્યું કે, જે દુકાન અથવા યૂનિટમાં કેસ આવે તે બ્લોકને જ બંધ કરવામાં આવશે. સંપૂર્ણ માર્કેટ બંધ નહીં કરવામાં આવે. લોકોને રોજગારી મળી રહે અને વેપાર પણ વેગવંતો બને તેવા પ્રયાસ સરકાર કરી રહી છે. જેથી સંપૂર્ણ માર્કેટ બંધ કરવાની આવશ્યકતા નથી.
મુખ્યપ્રધાનને રજૂઆત કર્યા બાદ સમસ્યાનો સુખદ અંત આવતા વેપારીઓ ચિંતામુક્ત બન્યા હતા. વેપારીઓએ સાંસદ અને મુખ્યપ્રધાનનો પણ આભાર વ્યકત કરતા પાલિકા દ્વારા જાહેર કરાયેલી ગાઈડ લાઇનનું ચુસ્ત પાલન કરવાની તૈયારી બતાવી હતી.