ઓલપાડના કિમ ગામે ભર ચોમાસે પાણી માટે વલખા
- ત્રણ દિવસથી પાણી નહીં મળતા મહિલાઓએ પંચાયત કચેરીએ કર્યો હલ્લાબોલ
- સાંજ સુધીમાં સમસ્યા હલ નહીં થાય તો આંદોલનની આપી ચીમકી
- પાણીની મોટર બગડી જવાથી રહીશોને નથી મળી રહ્યું પાણી
સુરતઃ જિલ્લામાં ઓલપાડ તાલુકાના કીમ ગામના પ્રજાજનો ભર ચોમાસે છેલ્લા ત્રણ દિવસથી પાણી માટે વલખા મારી રહ્યા છે. કીમ ગામના સરપંચના જ વોર્ડના લોકોને છેલ્લા ત્રણ દિવસથી પાણી નહી મળતા ગામની મહિલોએ પંચાયત કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. પાણીની મોટર બગડી જવાથી કીમ ગામના હળપતિવાસમાં પીવાના અને ઘરવપરાશનું પાણી આવતું ન હોવાથી રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા.
કીમ ગામના હળપતિવાસના રહીશો છેલ્લા ત્રણ દિવસથી પાણી માટે વલખા મારી રહ્યા છે. સોસાયટીના રહીશો 2 દિવસ અગાઉ પણ પાણી ન આવવાની સમસ્યા બાબતે ગ્રામપંચાયતમાં રજૂઆત કરી હતી અને તે સમયે ગ્રામપંચાયતના સત્તાધીશોએ મોટર બનાવી આપી પાણીની સમસ્યા હલ કરવાની બાહેંધરી આપી હતી, પરંતુ બે દિવસ બાદ પણ તેમની સમસ્યાનો ઉકેલ ન આવતા ગુરૂવારે મહિલા માજી સરપંચની આગેવાનીમાં સોસાયટીની મહિલાઓએ કીમ ગ્રામપંચાયત ખાતે હલ્લાબોલ કર્યો હતો.
પંચાયત કચેરી ખાતે મહિલાઓએ "સરપંચ પાણી આપો પાણી આપો"ના નારા લગાવ્યા હતા. સોસાયટીની મહિલાઓ જ્યારે રજૂઆત માટે પંચાયત કચેરી પર પહોંચી ત્યારે ગામના સરપંચ અને ડે. સરપંચ બંને કચેરીમાં ગેરહાજર જોવા મળ્યા હતા. મહિલાઓ સરપંચ પર આક્ષેપ લગાવી રહી છે કે સરપંચને જ્યારે પણ કોઈ સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવે ત્યારે સરપંચ પોતાને કઈ જ ખબર ન હોય તેવો દોર કરે છે.
ગ્રામપંચાયતના તલાટીએ તેમને સાંજ સુધીમાં સમસ્યા હલ કરવાની ખાતરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. પરંતુ સાંજ સુધીમાં જો સમસ્યાનો હલ નહી થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી મહિલાઓએ ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે જે સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે, તે સોસાયટી ગામના સરપંચના જ વોર્ડમાં આવતી સોસાયટી છે.