- અઢી વર્ષ પહેલા 2 યુવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા
- સરકારી જમીન ખેડવાના ઝગડાની અદાવતમાં કરી હતી હત્યા
- બાતમીના આધારે SOGએ 3 ઇસમોની કરી ધરપકડ
સુરત: ઓરિસ્સા (Odisha) રાજ્યના પૂરી જિલ્લાના 2 ગામ વચ્ચે ચાલતા સરકારી જમીન (Government Land) ખેડવાના ઝગડાની અદાવતમાં અઢી વર્ષ પહેલા 2 યુવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ડબલ મર્ડર (Double Murder)ના આ ગુનામાં સંડોવાયેલા 3 ઓરિસ્સાવાસીઓને સુરત SOG પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસથી બચવા માટે તેઓ સુરત (Surat) આવીને સંચા ખાતામાં નોકરી કરતા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
બાતમીના આધારે પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી
સુરતમાં SOG પોલીસને બાતમી મળી હતી કે ઓરિસ્સા રાજ્યના પૂરી જિલ્લાના બ્રહ્પુરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડબલ મર્ડરના ગુનામાં ભાગતા ફરતા આરોપીઓ સુરતના ઉધના અને પાંડેસરા વિસ્તારમાં રહે છે. બાતમીના આધારે સુરત SOG પોલીસે ઉધના પટેલનગરમાં રહેતા અને સંચા મશીનની મજૂરી કરતા 46 વર્ષીય આરત કુંદરી જૈના, પાંડેસરા આશાપુરી સોસાયટીમાં રહેતા અખય ઉર્ફે અક્ષયકુમાર ઉર્ફે બગાઈ શિખર જૈના અને ઉધના હરીધામ સોસાયટીમાં રહેતા અભિમન્યુ ઉર્ફે રબી જગન્નાથ જૈના નામના 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
બીજા 8 લોકોને ધારિયા લાઠી વડે જીવલેણ માર માર્યો
પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, તેમના ગામ ચાપમાનીક તથા બાજુના ગામ સહજાનપુરની વચ્ચે 40 એકર જેટલી સરકારી જમીન આવેલી છે. જે જમીન સરકારે 20 વર્ષ પહેલા બંને ગામના લોકોને સરખે ભાગે ખેડવા માટે આપી હતી. જે જમીનમાં બંને ગામના લોકોએ કાજુનું વાવેતર કર્યું હતું, પરંતુ કાજુની ઉપજ લેવાના સમયે સહજાનપુર ગામના લોકોએ બળજબરીથી અમારા ભાગની સરકારી જમીન ઉપર કબજો કરી ખેતીની ઉપજ છીનવી લીધી હતી. જે બબાતે બંને ગામના લોકો વચ્ચે છેલ્લા 15 વર્ષથી ઝગડો ચાલતો હતો. જેથી તેમના ગામવાળાઓએ ભેગા મળી સામેવાળાઓને પાઠ ભણાવવા અને આ વિવાદનો કાયમી નિકાલ લાવવા માટે હુમલો કર્યો હતો.
ઝૂંપડાને પેટ્રોલ નાંખી સળગાવી દીધા હતા
આજથી અઢી વર્ષ પહેલા સહજાનપુર ગામના 10 લોકો આરોપીઓના ગામના ભાગની સરકારી જમીન ઉપર કબજો જમાવી ઝૂંપડામાં સુતા હતા ત્યારે મધ્યરાત્રીના સમયે પોતાના ગામના આશરે 22 જેટલા લોકોએ તે તમામને મારી નાંખવા માટે તેમના ઝૂંપડાને પેટ્રોલ નાંખી સળગાવી નાંખ્યા હતા અને તેમાં 2 લોકો જીવતા સળગી ગયા હતા. તેમજ બીજા 8 લોકોને ધારિયા લાઠી વડે જીવલેણ માર માર્યો હતો.
પોલીસની પકડમાંથી બચવા માટે સુરત આવી ગયા હતા
આ બાબતે અત્યારે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ડબલ મર્ડરનો ગુનો નોંધાયો હતો, જેથી તેઓ પોલીસ પકડથી બચવા પોતાના ગામથી ફરાર થઈને સુરત આવી ગયા હતા અને સુરતમાં તેઓ સંચા ખાતામાં નોકરી કરવા લાગ્યા હતા. ત્યારબાદ તેઓ ક્યારેય વતન ગયા નહોતા. જો કે હાલ SOG પોલીસે આરોપીઓને ઝડપી પાડી ઓરિસ્સા પોલીસને આરોપીનો કબજો સોપવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: પૂર્વ ક્રિકેટર કપિલ દેવ સુરતની મુલાકાતે, કહ્યું- એક મેચ હારવાથી ભારતીય ટીમ નબળી છે એવું હું નથી માનતો
આ પણ વાંચો: રાહુલ ગાંધી વિવાદિત ટિપ્પણી મામલે નિવેદન આપી સુરત કોર્ટથી રવાના