કૌભાંડ બહાર આવતા જ સુરત RTO દ્વારા કુલ 100 જેટલા વાહનોને બ્લેકલીસ્ટ કરી દેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જપ્ત કરાયેલા વાહનો સૌ પ્રથમ બેંકે પોતાના નામ પર ચઢાવવાના હોય છે. ત્યારબાદ વાહન ખરીદનારના નામે ચઢાવવા 15 ટકા ટ્રાન્સફર ફી RTOને ચુકવવાની હોય છે. જેનાથી બચાવા આ કૌભાંડ આચરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું.
બેંક લોન પર આધારિત વાહનોના હપ્તાની ભરપાઈ સમયસર ન કરવામાં આવતા આવા વાહનો બેંક દ્વારા જપ્ત કરી લેવામાં આવતા હોય છે. જો કે, આવા જપ્ત કરાયેલા વાહનો નામ પર કર્યા વિના જ ઓનલાઇન દ્વારા એજન્ટો ને વેચી મોટું કૌભાંડ આચરવામાં આવતું હોવાની ગંધ સુરત RTOના ધ્યાને આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. RTOના જણાવ્યા અનુસાર બેન્ક દ્વારા જે વાહનો જપ્ત કરવામાં આવે છે, તે વાહનો સૌ પ્રથમ બેંકે પોતાના નામ પર કરાવવા ત્યારબાદ જ અન્ય વ્યક્તિને વેચવા અને નામ ટ્રાન્સફર કરાવવા RTOને 15 ટકા ટ્રાન્સફર ફી ચુકવવાની હોય છે.
જો કે, એજન્ટો ડુપ્લીકેટ આરસી ઉપરથી નામ ટ્રાન્સફર કરી ઓરીજનલ આરસી બુક બનાવી લેતા હતા. જ્યાં RTOને 15 ટકા ટ્રાન્સફર ફીની ચોરી કરવામાં આવતી હતી. જ્યાં બેંક દ્વારા જપ્ત કરાયેલા 100 જેટલા વાહનો પોતાના નામ પર કર્યા વગર જ એજન્ટોને વેચી દેવામાં આવ્યા હતા. એજન્ટો દ્વારા ડુપ્લીકેટ આરસી બુક બનાવી વાહનો અન્ય લોકોને વેચાતા હતા. આવા તમામ 100 જેટલા વાહનોને હાલ બ્લેકલીસ્ટ કરી દેવામાં આવ્યા છે અને RTO દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, સુરતના RTO ના ધ્યાને આ સૌ પ્રથમ કૌભાંડ સામે આવ્યું છે. જો કે આવા અનેક એજન્ટો છે જે આ પ્રકારે ડુપ્લીકેટ આરસી ઉપરથી વાહનો અન્ય લોકોને વેચી RTOને પણ મસમોટો ચુનો લગાવતા રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં આવા એજન્ટો સામે RTOનો ગાળ્યો વધુ મજબૂત બને તે વાતને નકારી શકાય તેમ નથી.