સુરતઃ જિલ્લામાં તાપી નદીમાં કૂદી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિનો જીવ કામરેજ પોલીસે બચાવી લીધો હતો. લેણદારો ઉઘરાણી કરતાં હોવાથી તેણે આ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર બુધવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ કામરેજ પોલીસ સ્ટેશનની ઓરણા પી.સી.આર. વાનના ડ્રાઈવર ભૂપત ડાભી તેમજ ઇન્ચાર્જ બળવંતસિંહ ડોડીયા પેટ્રોલીંગમાં હતા, તે સમયે તાપી નદીના બ્રિજ પરથી એક વ્યક્તિ નદીમાં કુદવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેને પોલીસકર્મીઓએ દોડીને પકડી લીધો હતો અને આત્મહત્યા ન કરવા માટે સમજાવી તેને કામરેજ પોલીસ મથકે લઈ ગયા હતા. જ્યાં પી.આઇ.જયદીપસિંહ વનારે તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રમેશ ઉર્ફે જબરસિંગ બુદ્ધસિંગ ગૌર હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેનું કાઉન્સિલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે, તેની સોસાયટીમાં જ રહેતા રામ બોળિયા નામના શખ્સ પાસેથી ઉછીના પૈસા લીધેલા હતા. જે પરત મેળવવા માટે રામ સતત ધમકી આપતો હોવાથી તે આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો. પોલીસે તાત્કાલિક રામ બોળિયા વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની સમયસૂચકતાને કારણે એક વ્યક્તિનો જીવ બચી જતાં સુરત જિલ્લા પોલીસની લોકોએ સરાહના કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લા પોલીસ દ્વારા હાલમાં જ આત્મહત્યા અટકાવવા માટે એન્ટિસ્યૂસાઇડ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇનમાં જિલ્લા પોલીસ વડા ઉષા રાડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓના નંબર જાહેર કરવામાં આવ્યા છે, જે સ્યૂસાઇડ પોઈન્ટ પર મૂકી લોકોને આત્મહત્યા કરતાં રોકવાનો એક પ્રયાસ હાથ ધરાયો છે. જેમાં જિલ્લા પોલીસને સારી એવી સફળતા મળી રહી હોવાનું જાણવા મળે છે.