- સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન BTS કાર્યકરો સાથે કરી હતી મારામારી
- વીડિયો ઉતારવા બાબતે થઈ હતી બબાલ
- ધાડ, રાયોટિંગ અને એટ્રોસિટી હેઠળ નોંધાયો હતો ગુનો
સુરત: ગત 21મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન સમયે પાલિકામાં નવા સમાવવામાં આવેલા વેલંજા ગામના મતદાન મથક નજીક વાનમાં બેઠેલા BTS(ભીલીસ્થાન ટાઇગર સેના)ના કાર્યકરો સાથે પાસ આગેવાન અલ્પેશ કથીરીયા સાથે આવેલા 150થી 200ના ટોળાએ મારામારી કરી હતી. આ ઘટનામાં પોલીસે અલ્પેશ કથીરીયાની શનિવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી.
મતદાનના દિવસે થઈ હતી મારામારી
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન 21મી ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. મહાનગરમાં નવા સમાવયેલા કામરેજ તાલુકાના વેલંજા ગામના મતદાન મથક નજીક BTSના 6 કાર્યકર્તાઓ મારૂતિવાનમાં બેઠેલા હતા. સાંજના સમયે પાટીદાર આંદોલનના અગ્રણી અલ્પેશ કથીરિયા સહિત 150થી 200નું ટોળું આવતા વાનમાં બેઠેલા BTS કાર્યકરોએ તેમનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. આથી બંને વચ્ચે બોલાચાલી બાદ પાસ કાર્યકરોના ટોળાએ BTSના કાર્યકરોને માર મારી માથા ફોડી નાખ્યા હતા અને વાનમાં તોડફોડ કરી લૂંટ ચલાવી હતી.
આ પણ વાંચો: સુરતમાં PAAS દ્વારા ભાટિયા-કામરેજ ફાસ્ટેગ ટોલનો વિરોધ, કલેક્ટરને આવેદન અપાયું
એસ.સી.એસ.ટી.સેલના Dysp કરી રહ્યા છે તપાસ
આ ઘટના અંગે જે તે સમયે BTS કાર્યકરો પૈકી જેકીન સુમન વસાવાએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પોલીસે પાસના અલ્પેશ કથીરિયા સહિત 150થી 200ના ટોળા વિરુદ્ધ ધાડ, રાયોટિંગ અને એટ્રોસિટીનો ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણની તપાસ એસ.સી.એસ.ટી. સેલના Dysp ભાર્ગવ પંડ્યા કરી રહ્યા હતા.
અત્યાર સુધી 6 શખ્સોની ધરપકડ
અત્યાર સુધીમાં 6 શખ્સોની ધરપકડ કરી પોલીસ રિમાન્ડ હેઠળ અન્ય શખ્સોની સંડોવણી અંગે પૂછપરછ કરી કરી હતી. બાદમાં શનિવારે મોડી રાત્રે પોલીસે પાસ આગેવાન અલ્પેશ કથીરિયાને ઝડપી લીધો હતો.
આ પણ વાંચો: પાસને જયરાજ સિંહનો જવાબ, કહ્યું- પાર્ટીને બ્લેકમેઇલ કરવી એ વાત યોગ્ય નથી