સુરત: લોકડાઉનના કારણે શહેરના લસકાણા વિસ્તારમાં રહેતા ઓડિશાના શ્રમિકોને ભોજન નહીં મળતા રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યાર બાદ કેન્દ્રીય પ્રધાન ધર્મેદ્ર પ્રધાને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ઓડિશાના શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા કરવા રજુઆત કરી હતી. તેથી તેઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ ઓડિશાના કારીગરોને ગુજરાતી ભોજન નહીં ફાવતું હોવાથી ઉડીયા સમાજના આગેવાનો આગળ આવ્યા છે. જેથી હવે તેઓ માટે ઓડિશાની વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ 10 હજારથી વધુ લોકોને ભોજનમાં ભાત અને દાળ આપવામાં આવે છે.
ઓડિશા વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તંત્રની સાથે મળી રોજે હજારોની સંખ્યામાં લોકો માટે ભોજન બનાવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા ચોખા, દાળ અને તેલ આપે છે. જ્યારે ટ્રસ્ટ પોતાના ખર્ચે શાકભાજી ખરીદી, વાનગીઓ બનાવી, ઓડિશાના શ્રમિકોને બે ટાઈમ જમવાનું પહોંચાડતા હતા. પરંતુ અહીં કામ કરતા 4-5 સ્વયંસેવકોની તડકા અને ગરમીના લીધે તબિયત ખરાબ થતા હવેથી સાંજે એક ટાઈમનું ભોજન પહોંચાડવાનો નિર્ણય લીધો છે. વહેલી સવારે પાંચ વાગ્યાથી ભોજન બનાવવા માટેની કામગીરી શરૂ થઈ જાય છે. ટ્રસ્ટના 50થી વધુ વોલેન્ટીયર ભોજન બનાવવાથી લઈને ઓડિશાવાસીઓને સોસાયટી સુધી ભોજન પહોંચાડી રહ્યા છે.