- 88 વર્ષીય કસ્તુરબા કોરોનાથી 5 મહિના પહેલા મૃત્યુ પામ્યા હતા
- મહાનગરપાલિકા દ્વારા મૃતક કસ્તુરબા વાનીને આપવામાં આવ્યો રસીનો બીજો ડોઝ
- સર્ટીફીકેટ ડાઉનલોડ કર્યું ત્યારે પરિવાર પણ ચોંકી ગયા
સુરત : મૃત વ્યક્તિને કોરોના વેક્સિનનો બીજી ડોઝ લાગી શકે છે ? જે અશક્ય છે તે માત્ર સુરત મહાનગરપાલિકામાં જ શક્ય બનાવી શકે છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી 88 વર્ષીય કસ્તુરબાનું કોરોનાથી 5 મહિના પહેલા મૃત્યુ થયુ હતું, પરંતુ હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા મોબાઈલ પર મેસેજ મોકલવામાં આવ્યો છે કે, કસ્તુરબાએ કોરોનાની બીજી રસી મુકાવી દીધી છે, તેનું સર્ટિફિકેટ પરિવારજનો ડાઉનલોડ કરી શકે છે.
સુરત મહાનગરપાલિકાના બેદરકારી
સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓની બેદરકારીનું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા વર્ષા વાની સામાજિક કાર્યકર છે, વાની પરિવાર મૂળ મહારાષ્ટ્રના છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષથી સુરતમાં રહે છે. પરિવારના સિનિયર સિટીઝન 88 વર્ષીય કસ્તુરબા વાનીને 5 મહિના પહેલાં વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવી હતી, પરંતુ રસી આપવાના ત્રણ દિવસ બાદ કસ્તુરબા વાનીને કોરોના પોઝિટિવ આવતા પરિવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. તેમની સારવારના ત્રીજા દિવસે કોરોનાથી તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને આશરે 5 મહિના થઈ ગયા છે, પરંતુ એક દિવસે તેમના બહુ વર્ષા વાનીના મોબાઈલ પર પાલિકા દ્વારા મેસેજ આવ્યો કે કસ્તુરબા વાનીએ કોરોનાની રસીનો બીજો ડોઝ લઈ લીધો છે. સર્ટીફીકેટ ડાઉનલોડ કરવા માટે લીન્ક પર મોકલી આપવામાં આવી હતી.
કોરોના ગાઇડલાઇન મુજબ તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું
આ મામલે કસ્તુરબા વાનીના છોકરાની વહુ વર્ષા વાનીએ ETV Bharat ને જણાવ્યું હતું કે, સાસુને પ્રથમ ડોઝ આપ્યા બાદ જ કોરોના પોઝિટિવ આવ્યો હતો, આથી તેમને સારવાર માટે અમે નવી સિવિલ હોસ્પિટલ દાખલ કર્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું અને કોરોના ગાઇડલાઇન મુજબ તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. જેને આશરે પાંચ મહિના થઈ ગયા છે. આ દરમિયાન ત્રણ વખત સુરત મહાનગરપાલિકા તરફથી ફોન આવ્યો કે કસ્તુરબા બેનના કોરોના વેક્સિનનો બીજો ડોઝ બાકી છે, ત્યારે અમે કર્મચારીઓને જણાવ્યું પણ હતું કે તેઓ મૃત્યુ પામ્યા છે. અચાનક જ અમને મેસેજ આવ્યો કે કસ્તુરબા બેને વેક્સિનના બીજો ડોઝ લઇ લીધો છે.
સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા લિંક મોકલાઈ
પરિવારે એ પણ કહ્યું કે, એટલું જ નહીં સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે અમને લિંક પણ મોકલવામાં આવી હતી, જ્યારે અમે સર્ટીફીકેટ ડાઉનલોડ કર્યું ત્યારે અમે પણ ચોંકી ગયા હતા કે કેવી રીતે એક મૃતક વ્યક્તિએ બીજો ડોઝ લઇ લીધાનું સર્ટિફિકેટ પણ બનાવી દેવામાં આવ્યા છે ? આ બેદરકારી છે. જેની તપાસ થવી જોઇએ કારણ કે અમે અગાઉ પણ જાણ કરી હતી કે, કસ્તુરબા બેનનું મોત નિપજ્યું છે. તેમ છતાં કેવી રીતે શક્ય છે કે બીજા ડોઝનું સર્ટિફિકેટ બની શકે ?
આ પણ વાંચો: