સુરત: શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યો હતો. તે દિવસથી સતત લોકો માટે સક્રિય રહીને ટ્રીટમેન્ટથી લઈ ફૂડ પેકેટના વિતરણની કામગીરી કરનાર ધારાસભ્ય હર્ષ સંઘવીનો કરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરત મજુરા મત વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની માહિતી તેમને પોતે ટ્વીટર એકાઉન્ટ પર આપી હતી.
સંઘવીએ અપીલ કરી હતી કે, છેલ્લા કેટલાક દિવસોમાં તેમના સંપર્કમાં આવેલા લોકો કોરોન્ટાઈન થઈને પોતાનો ટેસ્ટ કરાવે.
હાલ જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સૌરાષ્ટ્ર ખાતે યોજાયેલી રેલીમાં હર્ષ સંઘવી સામેલ થયા હતા. આ રેલીમાં તેઓ સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર સામેલ હતા. તેમજ રસ્તા ઉપર ગરબા પણ રમ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા હતા. તેમની ભારે ટીકાઓ પણ થઈ હતી.
હર્ષ સંઘવીએ કોરોના દર્દીઓની સારવાર માટે સુરતના અલથાન વિસ્તારમાં કોવિડ કેર સેન્ટરની પણ શરૂઆત કરી છે. જેમાં સારવાર મેળવ્યા બાદ અને દર્દીઓ સાજા પણ થયા છે.