- ક્રાઈમ બાન્ચની ટીમે ચોરી કરનારી ગેંગને ઝડપી
- એક જ ગેંગના 10 આરોપીઓને ઝડપી પાડ્યા
- 14થી વધુ ચોરીની ઘટનાને આપ્યો હતો અંજામ
સુરતઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો હતો. જેથી સુરત પોલીસે અલગ-અલગ ટીમ બનાવી એક્શન પ્લાન મુજબ ચોરી કરનારી ટોળકીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે પોલીસે 14થી વધુ ચોરીની ઘટનામાં સામેલી એક જ ગેંગના 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તમામ 10 આરોપીઓ ચડ્ડી-બનિયાનધારી પારધી ગેંગના સભ્યો છે. આંતરરાજ્ય ધાડ ઘરફોડ ચોરી કરતી ગેંગના સભ્યો છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં સક્રિય હતા અને એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હતા. હ્યુમન ઈન્ટેલિજન્ટ અને ટેકનિકલ ટીમના આધારે પોલીસને જાણકારી મળી હતી કે, ગેંગના સભ્યો પોતાના વતન તરફ જવા રવાના થવાના છે. જેથી માહિતી મુજબ પોલીસે અલગ -અલગ ટીમ બનાવીને મોટા વરાછા ગામ લેક ગાર્ડન પાસે કોમ્બિંગ કરી ગેંગના આરોપીઓને સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા તેમજ ઘરફોડ ચોરીના સાધનો સાથે ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચોઃ સુરતમાં ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા 3 આરોપીની ધરપકડ
14 ગુનાને અંજામ આપ્યો
ગેંગના 10 સભ્યો મધ્યપ્રદેશના રતલામ, ઉજજૈન અને ગ્વાલિયરના રહેવાસી છે. આ ગેંગમાં 18 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના સભ્યો સામેલ છે. સુરત શહેરમાં તેઓ 14 જેટલા ગુનાને અંજામ આપ્યો છે. જેમાંથી જાગીરપુરા પોલીસ મથક વિસ્તારમાં 2, કાપોદ્રા 1, કતારગામ 1, ખટોદરા 1, ઉંમરા 2, સરથાણા 2, સિંગણપોર 2, અમરોલી 2, અને ચોક બજારમાં એક ગુના નોંધાઈ ચુક્યા છે.
કરફ્યૂનો સમય થાય એ પહેલાં પહોંચી જતા હતા
આરોપીઓ શહેરમાં પડાવ નાખી દિવસ દરમિયાન ફુગ્ગા વેચવાનો ધંધો કરી તે સમયે ખુલ્લી જગ્યા નજીક VIP બંગલાઓ ઉપર નજર રાખતા હતા. સાથે તેઓ રેકી પણ કરતા હતા. ગેંગના તમામ સભ્યો યોજના બનાવીને કરફ્યૂનો સમય થાય એ પહેલાં જઈને પોતાના વેશભૂષા બદલીને ચડ્ડી બનિયાન પહેરીને ચાર-પાંચ કલાક છુપાઈ જતા હતા. ત્યારબાદ રાત્રીના દોઢથી સવારે ચાર વાગ્યાના સમયગાળામાં બંગલાની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશી ચોરી કરતા હતા.
આ પણ વાંચોઃ સુરતના ગોડાદરા વિસ્તારની 5 દુકાનમાં ચોરી, ઘટના CCTVમાં કેદ
રસોડામાં ખાવાની વસ્તુઓ પણ ખાઈ જતા હતા
માત્ર ચોરી જ નહીં તેઓ રસોડામાં ખાવાની વસ્તુઓ પણ ખાઈ જતા હતા અને તે દરમિયાન જો કોઈ વ્યક્તિ જાગી જાય તો એમના પર પથ્થર વડે હુમલો પણ કરતા હતા. હુમલા કરવા માટે પોતાની પાસે ગીલોલ પણ રાખતા હતા. જેથી કુતરાઓ વસતા હોય તો મારી પણ શકાય. ત્યારબાદ પરત આવીને ચડ્ડી બનિયાન કાઢીને પોતાના વેશભૂષા પહેરી લેતા હતા અને સવારના સમયે પોતાની જગ્યાએ પરત આવી જતા હતા.
પોલીસે કબજે કરેલો મુદ્દામાલ
- સોના ચાંદીના દાગીના રૂપિયા 1,48,498
- રોકડા રૂપિયા 36,000
- કાંડા ઘડિયાળ નંગ 08 રૂપિયા 1,48,000
- મોબાઈલ ફોન નંગ 08 રૂપિયા 34,600
કબજે કરેલા ઘરફોડ સાધનો
- લોખંડનું ગણેસીયું
- પેથીયા નંગ-2
- સ્ટાર કટીંગ કરવાનું પકડ
- વાંદરી પાનું
- લોખંડની કાનસ
- હેન્ડ ડ્રીલ પાનું
- ગીલોલ નંગ 4